કોંગ્રેસનો ‘મુસ્લિમ કાર્ડ’ સફળ: અમદાવાદના મુસ્લિમ પોકેટ્સમાં 62.36% મતદાન અને કોંગ્રેસની વાપસી, ઓવૈસીનો પ્રભાવ ઓગળ્યો
-
ગોમતીપુર અને દરિયાપુર સહિત 7 વોર્ડમાં પંજાની લીડ- ભાજપના ગઢમાં ગાબડું પાડવા કોંગ્રેસે અપનાવી જૂની રણનીતિ
-
4 માંથી 7 બેઠકો પર પહોંચી કોંગ્રેસ- ચોક્કસ સમુદાયના રોષે રાજકોટ મનપામાં કોંગ્રેસની તાકાત વધારી; જાણો અંદરની વાત
-
વ્યૂહરચનામાં મોટો ફેરફાર- મુસ્લિમ બહુમતીવાળા વોર્ડમાં કેસરીયો લહેરાયો; શું આગામી ચૂંટણીઓમાં ભાજપ આ મોડેલ અપનાવશે?
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે, પરંતુ અંદરખાને મતાદાતાઓના મિજાજનું વિશ્લેષણ કરતા ચોંકાવનારા સંકેતો મળી રહ્યા છે. અમદાવાદ અને રાજકોટ મહાનગરપાલિકામાં કોંગ્રેસે જે બેઠકોમાં વધારો કર્યો છે તેની પાછળ મુસ્લિમ મતદારોનું ફરી એકવાર કોંગ્રેસ તરફી વલણ જવાબદાર હોવાનું મનાય છે. અમદાવાદમાં મુસ્લિમ પોકેટ્સ ગણાતા વિસ્તારોમાં સરેરાશ મતદાન કરતા ઘણું ઊંચું એટલે કે ૬૨.૩૬ ટકા મતદાન નોંધાયું હતું, જેનો સીધો ફાયદો કોંગ્રેસને ગોમતીપુર, દરિયાપુર અને બાપુનગર જેવા વિસ્તારોમાં મળ્યો છે.
અમદાવાદના સાત વોર્ડ જ્યાં મુસ્લિમ મતદારો નિર્ણાયક છે, ત્યાં કોંગ્રેસે મજબૂત લીડ મેળવી છે. ગત ચૂંટણીમાં અસુદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ કોંગ્રેસની મતબેંકમાં ગાબડું પાડ્યું હતું, પરંતુ આ વખતે ઓવૈસીનો જાદુ ચાલ્યો નથી અને તેમના તમામ ઉમેદવારો પરાજિત થયા છે. આના કારણે જ અમદાવાદમાં કોંગ્રેસની બેઠકો ૨૪ થી વધીને ૩૨ પર પહોંચી છે. મુસ્લિમ મતદારોનું આ મક્કમ વલણ સૂચવે છે કે તેઓ હવે વિભાજિત થવાને બદલે સંગઠિત થઈને કોંગ્રેસ ભણી પાછા વળ્યા છે.
રાજકોટમાં પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી છે. રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશનની અસર પરિણામોમાં સ્પષ્ટ દેખાઈ છે. આ ડિમોલિશનને કારણે જે-તે સમુદાયમાં ઉભો થયેલો રોષ કોંગ્રેસ માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. રાજકોટમાં કોંગ્રેસ ૪ માંથી ૭ બેઠકો મેળવવામાં સફળ રહી છે, જેમાં ૩ બેઠકોનો વધારો સીધો જ આ સમુદાયના મતોના કારણે થયો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. આ બેઠકોએ રાજકોટ મનપામાં કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
જોકે, જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ એક તદ્દન નવો અને જોખમી પ્રયોગ કર્યો હતો જે સો ટકા સફળ રહ્યો છે. ભાજપ સામાન્ય રીતે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવાનું ટાળે છે, પરંતુ જામનગરમાં ભાજપે મુસ્લિમ બહુમતીવાળા વોર્ડમાં ત્રણ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. ગઈકાલના પરિણામોમાં ભાજપના ત્રણેય મુસ્લિમ ઉમેદવારો ભવ્ય વિજય મેળવવામાં સફળ રહ્યા છે. ભાજપનો આ નવો વ્યૂહ વિરોધ પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે ભાજપે હવે તેમની પરંપરાગત મતબેંકમાં સીધું ગાબડું પાડવાનું શરૂ કર્યું છે.
આ પરિણામો આગામી વિધાનસભા ચૂંટણી માટે બંને પક્ષોને નવો વિચાર કરવા પ્રેરે તેવા છે. એકતરફ કોંગ્રેસ માટે મુસ્લિમ મતોનું પાછું આવવું રાહતના સમાચાર છે, તો બીજી તરફ જામનગરનો ભાજપનો પ્રયોગ એ સંકેત આપે છે કે ભાજપ હવે ‘સર્વસમાવેશક’ રાજનીતિના મોહરા હેઠળ લઘુમતી વિસ્તારોમાં પણ કમળ ખીલાવવાની ક્ષમતા કેળવી રહ્યું છે. જામનગરના આ સફળ પ્રયોગની અસર આગામી સમયમાં રાજ્યના અન્ય મહાનગરોમાં પણ જોવા મળી શકે છે.