Loading Please Wait !!!
પ્લાસ્ટિક મુક્ત થશે પાન મસાલા ઉદ્યોગ: હવે કાચની બોટલ કે પેપર પેકેજિંગમાં મળશે ગુટખા, FSSAI નો ક્રાંતિકારી નિર્ણય

 

  • FSSAI એ પેકેજિંગના નવા નિયમોનો ડ્રાફ્ટ કર્યો જાહેર- પર્યાવરણ બચાવવા પ્લાસ્ટિક, PVC અને એલ્યુમિનિયમ ફોઈલ પર લાગશે બ્રેક

  • ગટરો જામ કરતા પ્લાસ્ટિક સેશે હવે થશે બંધ- પ્રદૂષણ ઘટાડવા પેપર બોર્ડ અને ટીન કન્ટેનરનો ઉપયોગ કરવા સરકારની સૂચના

  • સુધારા નિયમ 2026: માત્ર વેચાણ જ નહીં, વિતરણમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ગુનો બનશે- 30 દિવસમાં જનતા પાસેથી મંગાવ્યા સૂચનો

    કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં જ તમને આ પ્રોડક્ટ્સ નવા અને ઇકો-ફ્રેન્ડલી અવતારમાં જોવા મળશે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા 'ખાદ્ય સુરક્ષા અને માનક (પેકેજિંગ) સુધારા નિયમ, 2026' નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત પાન મસાલા ઉદ્યોગમાં પ્લાસ્ટિકના નાના પાઉચ (સેશે) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

    આ નવા નિયમોના અમલીકરણ બાદ, કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ કે સેશેનો ઉપયોગ કરી શકાશે નહીં. ડ્રાફ્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પેકેજિંગ માટે પોલીથીન, પીવીસી (PVC) કે અન્ય કોઈ પણ સિન્થેટિક મટિરિયલનો પ્રયોગ થઈ શકશે નહીં. એટલું જ નહીં, અત્યારે જે ચમકદાર એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવામાં આવે છે, તેના પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ માત્ર વેચાણ પૂરતો સીમિત નથી, પરંતુ ઉત્પાદનોના પેકેજિંગ, સ્ટોરેજ અને વિતરણમાં પણ પ્લાસ્ટિકના ઉપયોગ પર કડક મનાઈ ફરમાવવામાં આવશે.

    પ્લાસ્ટિકના મજબૂત વિકલ્પ તરીકે સરકારે કુદરતી અને રિસાયકલ થઈ શકે તેવી સામગ્રીના ઉપયોગ માટે લીલી ઝંડી આપી છે. હવે પાન મસાલા ઉત્પાદકોએ પેપર અથવા પેપર બોર્ડ, સેલ્યુલોઝ જેવી કુદરતી સામગ્રી, ટીન કન્ટેનર અથવા કાચની બોટલ/ડબ્બાનો ઉપયોગ કરવો પડશે. આ ફેરફારને કારણે પ્રોડક્ટ્સના ભાવમાં નજીવો ફેરફાર થઈ શકે છે, પરંતુ તેનાથી પર્યાવરણને થતું લાંબાગાળાનું નુકસાન અટકાવી શકાશે.

    આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ પાન મસાલાના ખાલી પાઉચ દ્વારા થતું ભયાનક પ્રદૂષણ છે. લોકો મસાલા ખાઈને નાના પ્લાસ્ટિક પાઉચ ગમે ત્યાં ફેંકી દેતા હોય છે, જે પવન સાથે ઉડીને ગટરોમાં જમા થાય છે અને ચોમાસા દરમિયાન ગટર લાઈનો જામ થવાનું મુખ્ય કારણ બને છે. આ નાના પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરવો લગભગ અશક્ય હોય છે અને તે વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહીને ફળદ્રુપતાને નુકસાન પહોંચાડે છે. કુદરતી પેકેજિંગ મટિરિયલ જલ્દી વિઘટિત થઈ શકતું હોવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળશે.

    FSSAI એ આ ડ્રાફ્ટ જાહેર કરીને સામાન્ય જનતા અને ઉદ્યોગ જગતના હિતધારકો પાસેથી આગામી 30 દિવસમાં લેખિતમાં સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને તમામ સૂચનોનું વિશ્લેષણ કર્યા પછી સરકાર તેને કાયદા તરીકે અમલમાં મૂકશે. આ કાયદાના અમલ બાદ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાન મસાલાનું માર્કેટિંગ અને પેકેજિંગ સંપૂર્ણપણે બદલાઈ જશે, જે સ્વચ્છ ભારત અભિયાનમાં પણ મોટું યોગદાન આપશે.