ભારતીય આકાશમાં આર્થિક કટોકટીના વાદળો: જેટ ફ્યુઅલના ભાવ ભડકે બળતા એરલાઇન્સ કંપનીઓ દેવાળું ફૂંકે તેવી સ્થિતિ
-
અમેરિકા-ઈરાન યુદ્ધની સીધી અસર- ઈંધણનો ખર્ચ વધીને 60% થયો; FIA એ સરકાર પાસે માંગી તાત્કાલિક નાણાકીય સહાય
-
જેટ ફ્યુઅલ પરનો 11% ઉત્પાદન વેરો નાબૂદ કરવાની માંગ- આંતરરાષ્ટ્રીય રૂટ પર ઈંધણના ભાવમાં ₹75 સુધીનો તોતિંગ વધારો
-
FIA ની સરકાર સમક્ષ મોટી માંગ- 'સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઇસિંગ' ફરી લાગુ કરો; એરલાઇન્સનું ગણિત સાવ ખોરવાયું
નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવની માઠી અસર હવે ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. જેટ ફ્યુઅલ (ATF) ના ભાવમાં થયેલા અચાનક અને તોતિંગ વધારાને કારણે દેશની અગ્રણી એરલાઇન કંપનીઓની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને સ્પાઇસજેટ જેવી કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ (FIA) એ સરકારને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ટેક્સમાં રાહત કે નાણાકીય સહાય પૂરી પાડવામાં નહીં આવે, તો ઘણી એરલાઇન્સને પોતાની કામગીરી કાયમી ધોરણે સમેટી લેવી પડશે.
એરલાઇન્સ માટે ખર્ચનું ગણિત અત્યારે સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. FIA ના રિપોર્ટ મુજબ, અગાઉ એરલાઇન્સના કુલ સંચાલન ખર્ચમાં ઈંધણનો હિસ્સો ૩૦ થી ૪૦ ટકા રહેતો હતો, જે હવે વધીને ૫૫ થી ૬૦ ટકાના જોખમી સ્તરે પહોંચી ગયો છે. ઈંધણના ભાવમાં આવતી અનિશ્ચિતતાને કારણે હવે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને રૂટ પર ફ્લાઇટ ઓપરેટ કરવી આર્થિક રીતે પોસાય તેમ નથી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય રૂટ પર ઈંધણના ભાવમાં પ્રતિ લિટર ૭૩ થી ૭૫ રૂપિયાનો વધારો થતા લાંબા અંતરની ફ્લાઇટ્સ ચલાવવી એરલાઇન્સ માટે નુકસાનનો સોદો બની ગઈ છે.
વર્તમાન કરમાળખા સામે નારાજગી વ્યક્ત કરતા FIA એ સરકાર સમક્ષ બે મુખ્ય માંગણીઓ મૂકી છે. પ્રથમ, સ્થાનિક ઓપરેશન માટે જેટ ફ્યુઅલ પર લાગતો ૧૧ ટકા ઉત્પાદન વેરો (Excise Duty) અસ્થાયી ધોરણે નાબૂદ કરવામાં આવે. બીજું, ભાવમાં થતી ભારે વધઘટને રોકવા માટે 'સ્ટાન્ડર્ડ ક્રેક બેન્ડ પ્રાઇસિંગ મિકેનિઝમ' ને ફરીથી અમલી બનાવવામાં આવે. એરલાઇન્સ સેક્ટરનું માનવું છે કે આ પગલાં લેવાથી જ અત્યારે ઉભી થયેલી કટોકટીને ટાળી શકાશે અને કંપનીઓને દેવાળું ફૂંકતા બચાવી શકાશે.
જો સરકાર આ બાબતે વહેલી તકે કોઈ સકારાત્મક નિર્ણય નહીં લે, તો તેની સીધી અસર સામાન્ય મુસાફરો પર પડશે. એરલાઇન્સ કંપનીઓ પાસે હવે ફ્લાઇટ્સ રદ કરવા અથવા ટિકિટના ભાવમાં જંગી વધારો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચશે નહીં. ઉડ્ડયન નિષ્ણાતોના મતે, જો કોઈ મોટી એરલાઇન કંપની બંધ થાય છે, તો તેનાથી હજારો લોકોની નોકરીઓ પર પણ જોખમ ઉભું થઈ શકે છે અને દેશના પરિવહન ક્ષેત્રને મોટો ફટકો પડશે.
હાલમાં નાણાં મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય વચ્ચે આ મુદ્દે બેઠકોનો દોર શરૂ થયો છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ જે રીતે વધી રહ્યા છે, તેને જોતા સરકાર માટે પણ એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકવો પડકારજનક છે. તેમ છતાં, FIA એ ભારપૂર્વક જણાવ્યું છે કે આ ક્ષેત્રને બચાવવા માટે ‘બેલઆઉટ પેકેજ’ કે ટેક્સમાં રાહત આપવી અનિવાર્ય છે. હવે જોવાનું એ રહેશે કે કેન્દ્ર સરકાર આ રજૂઆત પર કેવા પ્રકારના પગલાં લે છે.