Loading Please Wait !!!
હવે ડીઝલ અને ગેસના પણ ‘અવતાર’ બદલાશે: આયાતી ક્રૂડ પર નિર્ભરતા ઘટાડવા સરકારનો માસ્ટરસ્ટ્રોક, ડીઝલમાં ૧૦% આલ્કોહોલનું મિશ્રણ

 

  • BIS ૧૫ જૂન સુધીમાં નવા માપદંડો કરશે જાહેર- હોટેલ અને ઉદ્યોગો માટે કમર્શિયલ LPG માં ભળશે ડીએમઈ; ખેડૂતોને મળશે નવું બજાર

  •  ૧૫ મે ૨૦૨૬ સુધીમાં ડીએમઈ મિશ્રિત ગેસનું નોટિફિકેશન શક્ય- ઘરેલુ ગેસ સિલિન્ડરોમાં હાલ કોઈ ફેરફાર નહીં; જાણો શું છે સરકારનો પ્લાન

  •  ડૉ. ભારત નેવલકરના ગૂ્રપે તૈયાર કર્યા ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ- ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ અને રિફાઇનરીઓના સૂચનો બાદ લેવાયો ઐતિહાસિક નિર્ણય

    નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના વધતા તણાવને કારણે સર્જાયેલા વૈશ્વિક ઉર્જા સંકટને પહોંચી વળવા ભારત સરકારે કમર કસી છે. ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને વિદેશી મુદ્રા બચાવવા માટે સરકારે ડીઝલ અને કમર્શિયલ એલપીજીમાં મિશ્રણ (Blending) કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારતીય માનક બ્યુરો (BIS) હાલમાં આ ઈંધણો માટેના ગુણવત્તા માપદંડોને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે, જે ૧૫ જૂન સુધીમાં જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

    સરકારના નવા પ્લાન મુજબ, ડીઝલમાં ૧૦ ટકા આઈસોબ્યૂટાઈલ આલ્કોહોલ (IBA) નું મિશ્રણ કરવામાં આવશે. આઈબીએ એક અત્યંત જ્વલનશીલ લિક્વિડ છે જે સામાન્ય રીતે અનાજ અને કૃષિ પેદાશોમાંથી તૈયાર કરવામાં આવે છે. આ નિર્ણયથી માત્ર ઈંધણની આયાત જ નહીં ઘટે, પરંતુ ભારતીય ખેડૂતો અને ગ્રામીણ અર્થતંત્રને તેમની પેદાશો માટે એક વિશાળ નવું બજાર પણ મળી રહેશે. રિફાઈનરીઓ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના નિષ્ણાતો સાથે સતત બેઠકો કર્યા બાદ આઈબીએના ઉપયોગ પર મહોર મારવામાં આવી છે.

    બીજી તરફ, સરકારે કમર્શિયલ ઉપયોગ માટે ડાઈમિથાઈલ ઈથર (DME) મિશ્રિત એલપીજીના માપદંડોને પણ મંજૂરી આપી દીધી છે. ડીએમઈનું ઉત્પાદન કુદરતી ગેસ, કોલસા અને બાયોમાસ દ્વારા કરી શકાય છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મિશ્રિત ગેસનો ઉપયોગ હાલ પૂરતો માત્ર હોટેલ, રેસ્ટોરાં અને અન્ય ઔદ્યોગિક એકમો માટે જ મર્યાદિત રહેશે. ઘરેલુ રસોઈ ગેસ (LPG) માં અત્યારે આ ફેરફાર કરવામાં આવશે નહીં, કારણ કે અધિકારીઓના મતે ડીએમઈ મિશ્રણ હાલમાં ઘરેલુ રસોઈ માટે સુરક્ષિત કે યોગ્ય જણાતું નથી.

    આ ઐતિહાસિક પ્રોજેક્ટ માટે મિશ્રિત ડીઝલના ડ્રાફ્ટ સ્ટાન્ડર્ડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) ના ડૉ. ભારત નેવલકરની આગેવાની હેઠળના વર્કિંગ ગૂ્રપે તૈયાર કર્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ઈંધણ કેરેક્ટરાઈઝેશનનો ઝીણવટભરો અભ્યાસ કર્યો છે અને અનેક સેમ્પલ ટેસ્ટિંગ બાદ જ આ નિર્ણય લેવાયો છે. અંતિમ નોટિફિકેશન બહાર પાડતા પહેલા આ માપદંડોનો ડ્રાફ્ટ જાહેર જનતા અને હિસ્સેદારોના સૂચનો માટે પ્રસિદ્ધ કરવામાં આવશે.

    ભારત પાસે અગાઉ પણ એલપીજી મિશ્રણ માટેના માપદંડો હતા, પરંતુ ક્યારેય તેનો વ્યાપક અમલ કરવામાં આવ્યો નહોતો. હવે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિ અને પશ્ચિમ એશિયામાં યુદ્ધના જોખમને જોતા સરકારે ઉર્જા સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. આ સુધારા બાદ ભારતની ઉર્જા બાસ્કેટ વધુ વૈવિધ્યસભર બનશે અને દેશમાં બાયો-ફ્યુઅલના વપરાશને મોટો વેગ મળશે, જે પર્યાવરણીય પ્રદૂષણ ઘટાડવામાં પણ સહાયક સાબિત થશે.