Loading Please Wait !!!
ભારત વિશ્વની પાંચમી મોટી સૈન્ય શક્તિ: $92.1 Billion ના બજેટ સાથે રક્ષા ક્ષેત્રે ડંકો વગાડ્યો, SIPRI ના રિપોર્ટમાં મોટો ખુલાસો

 

  • SIPRI રિપોર્ટ 2025: અમેરિકા અને ચીન હજુ પણ રેસમાં આગળ- ડ્રોન અને મિસાઈલ ટેકનોલોજી માટે ભારતે તિજોરી ખોલી

  •  એશિયામાં સૈન્ય હરીફાઈ તેજ- મે 2025 ના સંઘર્ષ બાદ ભારતે સુરક્ષા કવચ કર્યું મજબૂત; વૈશ્વિક સ્તરે ખર્ચનો નવો રેકોર્ડ

  • પાકિસ્તાને પણ ચીની વિમાનો માટે $11.9 અબજ ફાળવ્યા- એશિયા-ઓશિનિયા વિસ્તારમાં હથિયારો પાછળ $681 અબજ ખર્ચાયા

    નવી દિલ્હી: દુનિયાભરમાં વધી રહેલા પ્રાદેશિક તણાવ અને સરહદી સંઘર્ષો વચ્ચે ભારત હવે વિશ્વમાં પાંચમો સૌથી વધુ સંરક્ષણ બજેટ ધરાવતો દેશ બની ગયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ 2025 ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતે પોતાના સંરક્ષણ ખર્ચમાં 8.9 ટકાનો વધારો કર્યો છે. આ સાથે ભારતનું કુલ સૈન્ય બજેટ 92.1 અબજ ડૉલરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. આ યાદીમાં અમેરિકા હજુ પણ પ્રથમ સ્થાને છે, જ્યારે ચીન, રશિયા અને જર્મની અનુક્રમે બીજા, ત્રીજા અને ચોથા ક્રમે છે.

    ભારતના સૈન્ય ખર્ચમાં આ ઉછાળા પાછળ મુખ્યત્વે પાડોશી દેશો સાથેનો તણાવ જવાબદાર માનવામાં આવે છે. ખાસ કરીને મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ટૂંકા પરંતુ તીવ્ર સૈન્ય સંઘર્ષને કારણે ભારતે પોતાની સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવાની ફરજ પડી હતી. ડ્રોન ટેકનોલોજી, અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ અને લડાકુ વિમાનોની ખરીદી પર ભારતે વિશેષ ધ્યાન આપ્યું છે. રિપોર્ટ મુજબ, પાકિસ્તાને પણ ચીન પાસેથી નવા વિમાનો અને શસ્ત્રો ખરીદવા માટે પોતાના બજેટમાં 11 ટકાનો વધારો કરીને તેને 11.9 અબજ ડૉલર સુધી પહોંચાડ્યો છે.

    ચીનનો સૈન્ય દબદબો પણ સતત વધી રહ્યો છે. ચીને સતત 31મા વર્ષે પોતાના સૈન્ય બજેટમાં વધારો કર્યો છે, જે આ વર્ષે 7.4 ટકા વધીને 336 અબજ ડૉલર પર પહોંચ્યું છે. એશિયા-ઓશિનિયા વિસ્તારમાં ચીનની આક્રમકતાને કારણે સમગ્ર એશિયામાં સંરક્ષણ પાછળનો કુલ ખર્ચ વધીને 681 અબજ ડૉલર થયો છે. ભારત માટે ચીન અને પાકિસ્તાન બંને મોરચે સતર્ક રહેવું અનિવાર્ય હોવાથી રક્ષા બજેટમાં વધારો કરવો એ વ્યૂહાત્મક જરૂરિયાત બની ગઈ છે.

    વૈશ્વિક સ્તરે જોતા, સંરક્ષણ પાછળનો કુલ ખર્ચ રેકોર્ડ 2.89 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયો છે. આશ્ચર્યજનક રીતે, દુનિયાના માત્ર ટોચના પાંચ દેશો જ કુલ સૈન્ય ખર્ચનો 58 ટકા હિસ્સો ધરાવે છે. યુરોપમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને મધ્ય-પૂર્વના તણાવને કારણે ત્યાંના દેશોના સૈન્ય ખર્ચમાં 14 ટકાનો વધારો નોંધાયો છે. ભારત હવે ટેકનોલોજી આધારિત યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું છે, જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટી પર પણ મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે.

    આમ, ભારતનું વધતું જતું સંરક્ષણ બજેટ તેની આત્મનિર્ભરતા અને આધુનિકીકરણની દિશામાં એક મોટું પગલું છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ માત્ર ખર્ચ નથી પરંતુ દેશની સંપ્રભુતા અને આર્થિક વિકાસને સુરક્ષિત રાખવા માટેનું રોકાણ છે. આગામી વર્ષોમાં ભારત 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં વધુ મજબૂત બનશે, જેથી આયાત પરની નિર્ભરતા ઘટી શકે. હાલ તો વૈશ્વિક સૈન્ય હરીફાઈમાં ભારત એક મોટી શક્તિ તરીકે ઉભરી આવ્યું છે તે સ્પષ્ટ છે.