રક્ષાબંધનની એડવર્ટાઇઝમેન્ટ પર હોબાળો: કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ટ્રોલ
-
જાણીતી જ્વેલરી બ્રાન્ડની નવી રક્ષાબંધન એડમાં આઉટફિટ પસંદગી પર વિવાદ
-
પવિત્ર તહેવારમાં પૂજાની પરંપરાગત થાળી ગાયબ હોવા મુદ્દે યુઝર્સે નારાજગી વ્યક્ત કરી
-
વ્હાઇટ બ્રાલેટ બ્લાઉઝ અને સ્કર્ટ લુકને લઈને સોશિયલ મીડિયા પર તીખી ચર્ચા
સિટી ન્યુઝ @ મુંબઈ
બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનનની તાજેતરમાં રિલીઝ થયેલી 1 નવી રક્ષાબંધન જાહેરાતને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ભારે વિવાદ અને આક્રોશનો માહોલ સર્જાયો છે. દેશની એક અગ્રણી જ્વેલરી બ્રાન્ડના ફેસ્ટિવલ કેમ્પેઇન અંતર્ગત તૈયાર કરાયેલી આ એડવર્ટાઇઝમેન્ટમાં એક્ટ્રેસના પહેરવેશ (આઉટફિટ) અને તહેવારની ઉજવણીની આધુનિક શૈલી સામે નેટીઝન્સે ગંભીર વાંધો ઉઠાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ભાઈ-બહેનના અતૂટ પ્રેમના પવિત્ર અને પરંપરાગત તહેવાર રક્ષાબંધન પર આધારીત આ જાહેરાતમાં એક્ટ્રેસના બોલ્ડ અંદાજ અને મોડર્ન લુકને જોઈને પરંપરાવાદી લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે આ પ્રકારના લુકને ભારતીય સંસ્કૃતિ અને તહેવારની ગરિમાની તદ્દન વિરુદ્ધ ગણાવીને કૃતિ સેનન તેમજ સંબંધિત જ્વેલરી બ્રાન્ડને આડે હાથ લીધી છે.
આ જાહેરાતમાં લોકોએ ખાસ બાબત એ નોંધી હતી કે રક્ષાબંધનની ઉજવણીના આ દ્રશ્યોમાં પરંપરાગત પૂજાની થાળી, કંકુ, ચોખા કે દીવો ક્યાંય જોવા મળતા નથી. આ ઉપરાંત કૃતિ સેનન વ્હાઇટ કલરના બ્રાલેટ સ્ટાઇલ બ્લાઉઝ, કેપ અને ડ્રેપ્ડ સ્કર્ટ જેવા વેસ્ટર્ન ટચ ધરાવતા આઉટફિટમાં નજરે પડી રહી છે, જેને લઈને યુઝર્સે સવાલો ઉઠાવ્યા છે કે પવિત્ર તહેવારમાં આવા વસ્ત્રો પહેરવા પાછળનો હેતુ શું છે.
જ્વેલરી બ્રાન્ડ દ્વારા આ કેમ્પેઇનમાં રક્ષાબંધનને અત્યંત આધુનિક અને અલગ અંદાજમાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં માનવ સંબંધોની સાથે પરિવારના સભ્ય તરીકે ઘરમાં રહેલા પાલતુ શ્વાનને પણ કૃતિ રાખી બાંધતી હોય તેવો નવતર પ્રયોગ દર્શાવવામાં આવ્યો હતો.
જોકે એડવર્ટાઇઝિંગ એજન્સી અને બ્રાન્ડનો આ મોર્ડન તેમજ ક્રિએટિવ એપ્રોચ મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સને બિલકુલ પસંદ આવ્યો નથી. લોકોએ એવી પ્રતિક્રિયા આપી છે કે ક્રિએટિવિટીના નામે ભારતીય તહેવારોના મૂળ સંસ્કારો અને પરંપરાઓને નબળી પાડવી અયોગ્ય છે, જેના કારણે બ્રાન્ડના બોયકોટ કરવાની માંગ પણ ઊઠી રહી છે.
કૃતિ સેનનની રક્ષાબંધન એડ પર ભારે હોબાળો
જાણીતી જ્વેલરી બ્રાન્ડની રક્ષાબંધન એડમાં બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનનના આઉટફિટ અને મોર્ડન અંદાજ સામે સોશિયલ મીડિયા પર તીખો વિરોધ શરૂ થયો છે. પૂજાની થાળી ગાયબ હોવા તેમજ બ્રાલેટ બ્લાઉઝ લુકને લઈને યુઝર્સે તેને ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ ગણાવી છે. પાલતુ શ્વાનને રાખડી બાંધવાના કન્સેપ્ટ સામે પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે.