હવે સાડીમાં પણ ઘૂઘરીનો ટ્રેન્ડ !
ત્યાર સુધી આપણે ઝાંઝર, ઝૂમકાં, ઈઅર-રિંગ્સ, નેકલેસ કે બેંગલ્સ જેવી એસેસરીઝમાં ઘૂઘરી જોતા આવ્યા છીએ પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ રરાકતી ઘૂઘરીઓ સાડીના પાલવ કે બોર્ડર પર ટાંકવામાં આવે તો કેવો લુક આવે? આજકાલ સોશિયલ મીડિયા પર ઘૂઘરીવાળી સાડી બહુ પૉપ્યુલર થઈ રહી છે. બનારસી ફેબ્રિક્સમાં ટંકાયેલી આ ઘૂઘરીવાળી સાડી યુવતીઓની હોટ ફેવરિટ બની રહી છે.જો તમે પણ કોઈ ખાસ પ્રસંગે કંઈક હટકે અને આકર્ષક ટ્રાય કરવા માંગો તો આ યુનિક સાડીની ખાસિયતો, ફેબ્રિક્સ અને સ્ટાઇલિંગ-ગાઇડ લો.ઘૂઘરીવાળી સાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ માત્ર વિઝ્યુઅલ ફેશન નથી પણ સાઉન્ડ ઇફેક્ટનો એક અનુભવ પણ છે. તમે જ્યારે આ સાડી પહેરીને ચાલો છો ત્યારે ઘૂઘરીઓ ધીમો અને મીઠો રણકાર એક રોયલ અને કલાસિકલ ફીલ આપે છે. સાડીમાં ચોક્કસ અંતરે ગોઠવાયેલી નાની મેટાલિક કે ગોલ્ડન ઘૂઘરીઓ સાડીના લુકને જીવંત બનાવી દે છે. આ સાડી ટ્રેડિશનલ હોવા છતાં અત્યંત મોર્ડન લાગે છે. આ સાડી પોતે જ એટલી આંખે વળગે એવી છે કે તમારે અલગથી ભારે દાગીના પહેરવાની જરૂર જ નથી રહેતી.