યુદ્ધની ગરમી આઈસ્ક્રીમ ઓગાળશે: ઈરાન સંઘર્ષને પગલે ડ્રાયફ્રૂટ્સ અને પ્લાસ્ટિક મોંઘા થતા આઈસ્ક્રીમ-ચોકલેટના ભાવમાં ઝીંકાયો વધારો
-
ડ્રાયફ્રૂટ્સના ભાવ 20% સુધી ઉછળ્યા- પેકેજિંગ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધતા ગ્રાહકોના ખિસ્સા પર ભાર; જાણો કઈ બ્રાન્ડે કેટલા ભાવ વધાર્યા
-
બદામ-પિસ્તા-કાજુના ભાવ આસમાને- યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ; લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થતા આઈસ્ક્રીમ બજારમાં તેજી
-
‘છોટા કપ’ અને રિડ્યુસ પેકિંગનો ટ્રેન્ડ શરૂ- યુદ્ધની અસરે વ્યાપાર ઉદ્યોગની કમર તોડી; કાચા માલની અછત વચ્ચે કંપનીઓએ બદલ્યા પેકેજિંગ
મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે માત્ર પેટ્રોલ અને ડીઝલ સુધી સીમિત રહી નથી. આ સંઘર્ષે ભારતની સામાન્ય જનતાના ઉનાળાના આનંદને પણ મોંઘો બનાવી દીધો છે. કાચા માલની સપ્લાય ચેઈન ખોરવાતા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થતા આગામી દિવસોમાં આઈસ્ક્રીમ, ચોકલેટ અને ડ્રાયફ્રૂટ્સ માટે ગ્રાહકોએ વધુ કિંમત ચૂકવવી પડશે. વેપારીઓના મતે આ મોંઘવારીની અસર માત્ર આ સીઝન પૂરતી નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન જોવા મળી શકે છે.
યુદ્ધના કારણે ડ્રાયફ્રૂટ્સના ભાવમાં સીધો ૧૫ થી ૨૦ ટકાનો વધારો ઝીંકાયો છે. બદામ, પિસ્તા અને કાજુ જેવા ડ્રાયફ્રૂટ્સ, જે આઈસ્ક્રીમ અને શેકમાં વ્યાપક પ્રમાણમાં વપરાય છે, તેના ભાવ વધતા મેન્યુફેક્ચરિંગ ખર્ચ વધી ગયો છે. આ ઉપરાંત, પ્લાસ્ટિક જે પેટ્રોલિયમ રો-મટીરિયલમાંથી બને છે તેના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે, જેનાથી આઈસ્ક્રીમ કપ અને પેકેજિંગ મટીરિયલ મોંઘું થયું છે. પરિણામે, સ્થાનિક અને મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ પોતાના પ્રાઈઝ લિસ્ટમાં સુધારા કરી રહી છે.
નોંધપાત્ર બાબત એ છે કે, અનેક જાણીતી બ્રાન્ડ્સ હવે ગ્રાહકોને સીધો ભાવ વધારો ન દેખાય તે માટે ‘પેકિંગ સાઈઝ’ ઘટાડવાની રણનીતિ અપનાવી રહી છે. અગાઉ જે એક લિટરનું ફેમિલી પેક મળતું હતું, તેના સ્થાને હવે બજારમાં ૮૦૦ કે ૯૦૦ મિલીલીટરના નવા પેક મુકવામાં આવ્યા છે. મધર ડેરી જેવી મોટી બ્રાન્ડે પણ પોતાના અનેક ઉત્પાદનોના ભાવ વધારી દીધા છે. આયાત-નિકાસને માઠી અસર થતા સપ્લાય ચેઈન પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સા પર પડી રહી છે.