વડોદરામાં સત્તાનો ‘મહાજંગ’: આવતીકાલે મતગણતરી, પોલીટેકનિક ખાતે 900 કર્મીઓ ઉકેલશે હાર-જીતનું ગણિત
-
લોખંડી બંદોબસ્ત વચ્ચે EVM સીલ- સ્ટ્રોંગ રૂમ ખાતે મેડિકલ, ફાયર અને એમ્બ્યુલન્સની ટીમો તૈનાત; સવારે 9 વાગ્યાથી ગણતરી
-
3 ફાયર ફાઈટર અને 4 મેડિકલ ટીમ સાથે ગણતરી કેન્દ્ર છાવણીમાં ફેરવાયું- MGVCL ના 36 કર્મચારીઓ વિજ પુરવઠો સાચવશે
-
પોલીટેકનિક ખાતે 900 અધિકારીઓ સંભાળશે મોરચો- પારદર્શક મતગણતરી માટે તંત્રનો માસ્ટર પ્લાન; પોલીસની બાજ નજર
વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી માટે રસાકસીભર્યા મતદાન બાદ હવે સૌની મીટ આવતીકાલના પરિણામો પર મંડાયેલી છે. વડોદરા વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરની પોલીટેકનિક ડિપાર્ટમેન્ટ ખાતે બનાવવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ (EVM) મશીનોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સીલ કરવામાં આવ્યા છે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થવાની છે, ત્યારે સમગ્ર કેન્દ્ર પર કિલ્લેબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સ્ટ્રોંગ રૂમની સુરક્ષા અને મતગણતરી પ્રક્રિયામાં કોઈ પણ ખલેલ ન પહોંચે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ વ્યૂહરચના બનાવવામાં આવી છે. ગણતરી કેન્દ્રની આસપાસ પૂરતા પ્રમાણમાં પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા છે અને બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે મેડિકલની 4 ટીમો અને ફાયર વિભાગની 3 ફાયર ટેન્ડર ગાડીઓ સહિત 2 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર ખડેપગે રાખવામાં આવશે.
મતગણતરી કેન્દ્ર પર સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે MGVCL ના 36 જેટલા કર્મચારીઓને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી છે. આ કર્મચારીઓ સીફ્ટ મુજબ વીજ લાઈનો અને ફીડર પર નજર રાખશે જેથી મતગણતરી દરમિયાન કોઈ ટેકનિકલ સમસ્યા ન સર્જાય. સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સુચારૂ રીતે પાર પાડવા માટે વહીવટી તંત્રના 900 થી વધુ અનુભવી કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
રાજકીય પક્ષો અને ઉમેદવારોમાં પણ પરિણામોને લઈને ભારે ઉત્તેજના અને ગભરાટ જોવા મળી રહ્યો છે. ઈવીએમમાં સીલ થયેલા ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો આવતીકાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે. કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા મતગણતરી હોલનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને એજન્ટોના પ્રવેશ માટેના પાસ પણ ઈસ્યુ કરી દેવામાં આવ્યા છે. દરેક ટેબલ પર માઈક્રો ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે જે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે.
વડોદરા શહેરના વિકાસની ચાવી કોના હાથમાં જશે અને કયો પક્ષ મનપાની સત્તા મેળવશે, તે પ્રશ્નનો ઉત્તર આવતીકાલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવશે. વહીવટી તંત્રએ દાવો કર્યો છે કે મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાય તે માટે પણ સાયબર સેલને સજ્જ રાખવામાં આવ્યું છે.