Loading Please Wait !!!
જામનગરમાં કાળમુખી કારનો કહેર: પૂરપાટ ઝડપે આવતી કારે બાઈકને ફંગોળ્યું, 5 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત

 

  • કાલાવડ નાકા પાસે સર્જાયો ગોઝારો અકસ્માત- દંપતી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાય છે; કારચાલક ફરાર

  • પેટ્રોલ પંપ પાસે રક્તરંજિત અકસ્માત- ઇઝરાયેલ સમા અને તેમના પત્નીની હાલત ગંભીર; અરેરાટી મચી ગઈ

  •  26 April ની રાત્રે પરિવાર પર આભ તૂટી પડ્યું- બાઈક સવાર દંપતી ગંભીર રીતે ઘાયલ; પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ તેજ

    જામનગરના કાલાવડ નાકા બહાર ગઈકાલે રાત્રે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક લાલ કલરની કારે બાઈક પર સવાર પરિવારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેના પર સવાર દંપતી સહિત તેમની 5 વર્ષની માસૂમ પુત્રી હબિરા રોડ પર ફંગોળાઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી માસૂમ બાળકીએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો, જ્યારે તેના માતા-પિતા હાલમાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે.

    મળતી વિગતો અનુસાર, જામનગરના કાલાવડ નાકા બહાર રહેતા ઇઝરાયેલ ઈકબાલભાઈ સમા પોતાના પત્ની રુકસારબેન અને પુત્રી હબિરા સાથે એફ.ઝેડ. બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પેટ્રોલ પંપ પાસે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી લાલ કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઈકને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બાઈકના ફિચરા ઉડી ગયા હતા. અકસ્માત સર્જ્યા બાદ નિર્દયી કારચાલક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો.

    આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કારની ગતિ નિયત મર્યાદા કરતા અનેકગણી વધારે હતી, જેના કારણે ચાલક બ્રેક મારી શક્યો નહોતો. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા પરિવારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, 5 વર્ષની હબિરાને ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હોવાથી ડોક્ટરોના પ્રયત્નો છતાં તેને બચાવી શકાઈ નહોતી.

    જામનગર પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલકની શોધખોળ શરૂ કરી છે. ફરાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. શહેરમાં હિટ એન્ડ રનની વધતી જતી ઘટનાઓએ સ્થાનિકોમાં રોષ જગાડ્યો છે. લોકોની માંગ છે કે આવા બેફામ ડ્રાઈવિંગ કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ અન્ય માસૂમે પોતાનો જીવ ગુમાવવો ન પડે.

    હાલમાં ઇઝરાયેલ સમા અને તેમના પત્ની રુકસારબેન જામનગરની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ (ICU) માં સારવાર હેઠળ છે. તેમની પુત્રીના મોતના સમાચારથી આખા સમાજમાં અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસનું કહેવું છે કે કારનો નંબર ટ્રેક કરવા માટે આસપાસના અન્ય કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આરોપીની ધરપકડ કરવામાં આવશે.