Loading Please Wait !!!
ભારતીય રસોડા પર ‘પામ ઓઈલ’નો ખતરો: ઈરાન યુદ્ધની આડઅસરે વધશે ખાદ્ય તેલના ભાવ, ઈન્ડોનેશિયાના એક નિર્ણયથી ખળભળાટ

 

  • સવારની પૂરીથી સાંજની ચિપ્સ સુધી બધું જ મોંઘું થશે; ભારત વાર્ષિક 9.5 મિલિયન ટન પામ તેલની કરે છે આયાત

  •  ભારતમાં 40% ખાદ્ય તેલનો વપરાશ માત્ર પામ ઓઈલનો; સસ્તું તેલ હવે સામાન્ય માણસની પહોંચ બહાર જવાની ભીતિ

  •  હોટલ-રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સની મુશ્કેલી વધશે; ગરમ કરવા છતાં સ્થિર રહેતું પામ તેલ અર્થતંત્રને હચમચાવશે

    નવી દિલ્હી : ઈરાન અને પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડવાની છે. આ વખતે સંકટ પેટ્રોલ કે ડીઝલનું નથી, પરંતુ ‘પામ ઓઈલ’નું છે. ભારત વિશ્વમાં પામ તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે અને તેની આયાત પરના અવરોધોથી રસોઈ તેલથી લઈને સાબુ, શેમ્પૂ અને બિસ્કિટ જેવી અનેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા છે.

    પામ ઓઈલ: ભારતીય જીવનનો અભિન્ન હિસ્સો ભારત દર વર્ષે અંદાજે 9.5 મિલિયન ટન પામ તેલનો ઉપયોગ કરે છે, જેમાંથી 9 મિલિયન ટનથી વધુ જથ્થો ઈન્ડોનેશિયા અને મલેશિયાથી આયાત કરવામાં આવે છે. ભારતના કુલ ખાદ્ય તેલ વપરાશમાં પામ ઓઈલનો હિસ્સો 40% જેટલો છે. તે અન્ય તેલ કરતા સસ્તું હોવાથી માત્ર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો જ નહીં, પણ 70% થી વધુ ખાદ્ય ઉદ્યોગો (જેમ કે બિસ્કિટ, નૂડલ્સ, ચોકલેટ, આઈસ્ક્રીમ અને નમકીન ઉત્પાદકો) તેનો જ ઉપયોગ કરે છે.

    ઈરાન યુદ્ધ અને નિકાસ પ્રતિબંધનો સંબંધ પ્રશ્ન એ થાય કે જો તેલ દક્ષિણ-પૂર્વ એશિયાથી આવે છે, તો ઈરાન યુદ્ધની અસર કેમ? વાસ્તવમાં, વૈશ્વિક અસ્થિરતા અને વધતા તેલના ભાવોને જોતા મુખ્ય ઉત્પાદક દેશ ઈન્ડોનેશિયાએ જાહેરાત કરી છે કે તે હવે પોતાના દેશની જરૂરિયાત પૂરી કરવા માટે વિદેશમાં થતી નિકાસ પર પ્રતિબંધ મુકશે. આ નિર્ણયથી ભારતમાં પુરવઠાની ભારે અછત સર્જાશે, જેના કારણે જથ્થાબંધ બજારમાં કિંમતો વધવી નિશ્ચિત છે.

    રસોડાથી લઈને સૌંદર્ય પ્રસાધનો સુધી અસર પામ ઓઈલ માત્ર ખોરાક પૂરતું સીમિત નથી. સાબુ, શેમ્પૂ અને બોડી વોશમાં જે ફીણ બને છે તે પામ તેલના આભારી છે. ક્રીમ, લોશન, ટૂથપેસ્ટ અને લિપસ્ટિકમાં પણ તેનો વ્યાપક ઉપયોગ થાય છે. જો પામ ઓઈલના ભાવ વધશે, તો તેની સીધી અસર FMCG સેક્ટર પર પડશે અને રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવમાં 15% થી 25% નો ઉછાળો આવી શકે છે. ભારત પોતે પામ તેલનું ઉત્પાદન 4 લાખ ટનથી પણ ઓછું કરતું હોવાથી હવે વૈશ્વિક બજારની દયા પર રહેવું પડશે.