Paytm પેમેન્ટ્સ બેંકનો ખેલ ખતમ: RBI એ બેંકિંગ લાઇસન્સ રદ કર્યું
-
લાઇસન્સ રદ થવાનું મુખ્ય કારણ: બેંકના કાર્યો જાહેર હિત માટે પ્રતિકૂળ હોવાનું અવલોકન; તરલતા હોવાથી થાપણદારોને વળતરની ખાતરી
-
નવા ગ્રાહકો ઉમેરવા પર અગાઉ જ હતી પાબંદી- હવે સંપૂર્ણ કામગીરી ઠપ; કેન્દ્રીય બેંકે હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની કરી જાહેરાત
-
પેટીએમ ઈકોસિસ્ટમ માટે મોટો ફટકો- કેન્દ્રીય બેંકે સ્પષ્ટ કર્યું: ‘બેંક પાસે જવાબદારી પૂરી કરવા પૂરતી રોકડ છે’
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે એક ઐતિહાસિક અને આકરો નિર્ણય લેતા Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડનું બેંકિંગ લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કરી દીધું છે. કેન્દ્રીય બેંકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે બેંકના કાર્યો જે રીતે ચલાવવામાં આવી રહ્યા હતા તે બેંકિંગ ધોરણો મુજબ નહોતા અને તે થાપણદારો તેમજ જાહેર હિત માટે પ્રતિકૂળ સાબિત થઈ રહ્યા હતા. આ નિર્ણય બાદ Paytm પેમેન્ટ્સ બેંક હવે દેશમાં કોઈ પણ પ્રકારનો બેંકિંગ વ્યવસાય કરી શકશે નહીં.
RBI એ તેના સત્તાવાર નિવેદનમાં ઉમેર્યું છે કે તે હવે આ બેંકને સત્તાવાર રીતે બંધ કરવા માટે સંબંધિત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે, ૧૧ માર્ચ ૨૦૨૨ ના રોજ જ RBI એ બેંકમાં જોવા મળેલી ગેરરીતિઓને પગલે તેને નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. ત્યારથી બેંકના સંચાલન પર કેન્દ્રીય બેંકની કડક નજર હતી. જોકે, બેંકના સંચાલનમાં અપેક્ષિત સુધારો ન દેખાતા અંતે આ કડક પગલું ભરવામાં આવ્યું છે.
જોકે, બેંકમાં જેમના પૈસા જમા છે તેવા ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે RBI એ ખાતરી આપી છે કે Paytm પેમેન્ટ્સ બેંક પાસે તેની સંપૂર્ણ થાપણ જવાબદારી (Deposits) પૂરી કરવા માટે પૂરતી તરલતા ઉપલબ્ધ છે. એટલે કે બેંક બંધ થવાની સ્થિતિમાં પણ ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહે તેવી શક્યતા છે. આ સમાચારને પગલે ફિનટેક સેક્ટરમાં ખળભળાટ મચી ગયો છે અને પેટીએમની અન્ય સેવાઓ પર તેની શું અસર પડશે તે અંગે રોકાણકારોમાં ચર્ચા શરૂ થઈ છે.