Loading Please Wait !!!
બેંકિંગ સેક્ટરમાં ‘લોન વર્સસ ડિપોઝિટ’નો જંગ: દેશમાં કરજ લેવાની ગતિ વધી પણ બચત ઘટી, RBI એ વ્યક્ત કરી ચિંતા

 

  • FD પર વ્યાજ દર વધારવા છતાં સુધારો નહીં- લોન અને જમા રકમ વચ્ચે 5 ટકાનું મોટું અંતર; રોકડની કટોકટી નિવારવા હરાજીનો સહારો

  •  વપરાશ વધવાના સંકેત છતાં ડૂબતા લેણાંનો ખતરો- ફેબ્રુઆરી 2026 માં લોન ગ્રોથમાં 15.2 ટકાનો રેકોર્ડબ્રેક વધારો

  •  વધુ વ્યાજ છતાં ડિપોઝિટ આકર્ષવામાં બેંકો નિષ્ફળ- ઋણ વૃદ્ધિ 13.8 ટકાએ પહોંચી પણ જમા વૃદ્ધિ માત્ર 11 ટકા સુધી સીમિત

    નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ દેશના બેંકિંગ સેક્ટરની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરના માસિક રિપોર્ટ અનુસાર, દેશમાં લોકો લોન વધુ લઈ રહ્યા છે પરંતુ તેની સામે બેંકોમાં નાણાં જમા કરાવવાની ગતિ ધીમી પડી છે. ફિક્સ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરો વધારવા છતાં પણ બેંકોમાં નવી મૂડી આવવાના પ્રમાણમાં મોટો સુધારો જોવા મળ્યો નથી, જે ભવિષ્યમાં રોકડનું સંકટ પેદા કરી શકે છે.

    આંકડાઓ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ડિપોઝિટ ગ્રોથ ૯ થી ૧૧ ટકા રહેવાનું અનુમાન છે, જ્યારે ૧૫ માર્ચ ૨૦૨૫ સુધીમાં ક્રેડિટ ગ્રોથ એટલે કે લોન લેવાની સરેરાશ વૃદ્ધિ ૧૩.૮ ટકા નોંધાઈ છે. આનો અર્થ એ થયો કે લોન અને ડિપોઝિટ વચ્ચે અંદાજે ૫ ટકા જેટલું મોટું અંતર છે. રિપોર્ટ કહે છે કે એપ્રિલ ૨૦૨૫ થી લોનના નિયમોમાં ફેરફાર બાદ બેંકોએ ખુલીને લોન આપવાનું શરૂ કર્યું છે, જેમાં પર્સનલ લોન, કાર લોન અને ગોલ્ડ લોનમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે.

    સૌથી ચિંતાજનક બાબત ઉચ્ચ જોખમવાળી વ્યક્તિગત લોનમાં જોવા મળેલી ૧૭ ટકાની વૃદ્ધિ છે. ડિજિટલ લોન પ્રક્રિયા અત્યંત સરળ હોવાથી લોકો જરૂરિયાત વગર પણ લોન લઈ રહ્યા છે, જેના કારણે ડૂબતા લેણાં (Bad Loans) નો ખતરો વધી રહ્યો છે. ફેબ્રુઆરી ૨૦૨૬ માં વાર્ષિક ધોરણે ૧૫.૨ ટકાનો રેકોર્ડબ્રેક વધારો લોન ગ્રોથમાં નોંધાયો છે. જોકે, કૃષિ અને MSME ક્ષેત્રે વધેલું ધિરાણ અર્થતંત્રમાં માંગ વધવાના સકારાત્મક સંકેત આપે છે, પરંતુ બેંકોની આંતરિક નાણાકીય સ્થિરતા માટે ડિપોઝિટ વધારવી અનિવાર્ય બની ગઈ છે.