Loading Please Wait !!!
RBI ના ઈ-મેન્ડેટ પર નવા નિયમો લાગુ: હવે ઓટો પેમેન્ટના ૨૪ કલાક પહેલા બેન્કે ગ્રાહકને જાણ કરવી પડશે

 

  • ઓટીટી, વીમા પ્રીમિયમ અને EMI કપાતા પહેલા આવશે નોટિફિકેશન; ગ્રાહકોને પોતાના નાણાં પર મળશે વધુ નિયંત્રણ

  •  મ્યુચ્યુઅલ ફંડ અને ક્રેડિટ કાર્ડ બિલ માટે લિમિટ વધારી ₹૧ લાખ કરાઈ; ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ લેવાશે નહીં

  •  RBI એ ઓનલાઇન પેમેન્ટ પ્રક્રિયા વધુ સરળ અને સુરક્ષિત બનાવી; યુપીઆઈ એપમાં ગમે ત્યારે મેન્ડેટ બંધ કરવાની સુવિધા

     ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ગ્રાહકોના હિતમાં અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે ઈ-મેન્ડેટ અને ઓટો પેમેન્ટના નવા દિશા-નિર્દેશો મંગળવારથી અમલી બનાવ્યા છે. આ નવા નિયમો અંતર્ગત હવે ઓટીટી સબ્સ્ક્રિપ્શન, વીમા પ્રીમિયમ, ઈએમઆઈ કે અન્ય કોઈ પણ બિલ પેમેન્ટ ઓટો ડેબિટ થતા પહેલા સંબંધિત બેન્કે ગ્રાહકને ૨૪ કલાક અગાઉ તેની જાણકારી આપવી પડશે. આ સૂચનામાં કંપનીનું નામ, રકમ અને તારીખ જેવી વિગતો આપવી ફરજિયાત રહેશે.

    OTP અને રકમની મર્યાદામાં ફેરફાર નવા નિયમો મુજબ, ૧૫,૦૦૦ રૂપિયા સુધીના નિયમિત ઓટો ડેબિટ પેમેન્ટ હવે ઓટીપી નાખ્યા વિના પૂર્ણ થઈ શકશે. જોકે, વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ અને ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ માટે આ મર્યાદા વધારીને પ્રતિ ટ્રાન્ઝેક્શન ૧ લાખ રૂપિયા કરવામાં આવી છે. આનાથી વધુ રકમ માટે દર વખતે ગ્રાહકે ઓટીપી (OTP) દ્વારા વધારાનું વેરિફિકેશન કરાવવું પડશે.

    ગ્રાહકોને વધુ સુવિધા અને સુરક્ષા RBI એ સ્પષ્ટ કર્યું છે કે જો ગ્રાહકનું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ બદલાય છે, તો જુના કાર્ડ પરના ઈ-મેન્ડેટ નવા કાર્ડ સાથે આપોઆપ જોડાઈ જશે, જેથી પેમેન્ટમાં કોઈ રૂકાવટ આવશે નહીં. ગ્રાહક ગમે ત્યારે પોતાના યુપીઆઈ એપ કે બેન્કિંગ પોર્ટલ પર જઈને મેન્ડેટ જોઈ શકે છે, તેમાં ફેરફાર કરી શકે છે અથવા તેને કાયમી ધોરણે બંધ પણ કરી શકે છે. મહત્વની વાત એ છે કે આ સુવિધા માટે ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં અને કોઈ પણ વિવાદની સ્થિતિમાં બેન્કોએ તાત્કાલિક સમાધાન લાવવું પડશે.