મારુતિ સુઝુકીનો નવો કિર્તીમાન: એક જ વર્ષમાં 23.4 લાખ કાર બનાવી હાંસલ કરી ઐતિહાસિક સિદ્ધિ
-
ભારતની એકમાત્ર કંપની જેણે આટલું મોટું ઉત્પાદન વોલ્યૂમ મેળવ્યું; સુઝુકીના વૈશ્વિક યુનિટ્સમાં પણ ભારત અવ્વલ
-
માર્ચ 2026 માં સાણંદમાં 5મા પ્લાન્ટની તૈયારી; ઉત્પાદન ક્ષમતામાં થશે 10 લાખ યુનિટનો જંગી વધારો
-
ગુજરાતના હાંસલપુર અને સાણંદ પ્લાન્ટ બનશે મારુતિના ગ્રોથ એન્જિન; GST સુધારાનો મળ્યો મોટો લાભ
નવી દિલ્હી : ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે વર્ષ 2025-26 દરમિયાન એક નવો ઈતિહાસ રચ્યો છે. કંપનીએ આ શૈક્ષણિક વર્ષમાં 23.4 લાખ યુનિટ્સનું અત્યાર સુધીનું સર્વોચ્ચ ઉત્પાદન નોંધાવ્યું છે. 'સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ' (SIAM) ના આંકડા મુજબ, એક જ વર્ષમાં આટલા મોટા પાયે ઉત્પાદન કરનારી મારુતિ દેશની એકમાત્ર ઓટોમોબાઈલ કંપની બની છે. આ સિદ્ધિએ સુઝુકી મોટર કોર્પોરેશનના વૈશ્વિક નકશા પર ભારતીય યુનિટનું વર્ચસ્વ સાબિત કર્યું છે.
ગુજરાત બનશે ઉત્પાદનનું પાવરહાઉસ હાલમાં મારુતિ સુઝુકી પાસે હરિયાણાના ગુરુગ્રામ, માનેસર, ખારખોડા અને ગુજરાતના હાંસલપુર ખાતે ચાર મોટા પ્લાન્ટ્સ છે. આ તમામ પ્લાન્ટ્સની સંયુક્ત વાર્ષિક ક્ષમતા 24 લાખ યુનિટની છે. કંપનીએ પોતાની વિસ્તરણ યોજના હેઠળ ગુજરાતના સાણંદ નજીક ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાંચમી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી માટે જમીન નિશ્ચિત કરી છે. માર્ચ 2026 માં આ નવી ફેસિલિટી કાર્યરત થયા બાદ કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતામાં 10 લાખ યુનિટનો વધારો થશે, જે ગુજરાતને ઓટો હબ તરીકે વધુ મજબૂત બનાવશે.
650 વેરિઅન્ટ્સ અને મજબૂત ઈકોસિસ્ટમ કંપની અત્યારે 17 અલગ-અલગ મોડલ અને તેના આશરે 650 વેરિઅન્ટ્સનું ઉત્પાદન કરી રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા ચાર દાયકાથી ભારતમાં ઉભી કરવામાં આવેલી મજબૂત સપ્લાય ચેઈન અને ઓટોમોબાઈલ ઈકોસિસ્ટમના કારણે આ વિક્રમી આંકડો હાંસલ કરવો શક્ય બન્યો છે. આ ઉપરાંત, જીએસટી (GST) માળખામાં થયેલા તાજેતરના સાનુકૂળ સુધારાઓએ પણ ઓટો સેક્ટરના વેચાણ અને ઉત્પાદનને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
ભવિષ્યનો લક્ષ્યાંક મારુતિ સુઝુકી આગામી વર્ષોમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને હાઈબ્રિડ ટેકનોલોજી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહી છે. નવા પ્લાન્ટ્સ અને વધતી જતી ક્ષમતા સાથે કંપની માત્ર ભારતની જરૂરિયાતો જ નહીં, પણ વિદેશી બજારોમાં નિકાસ વધારવા માટે પણ સજ્જ છે. આ આંકડાકીય સિદ્ધિ એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય ગ્રાહકોનો મારુતિ પરનો ભરોસો આજે પણ અતૂટ છે.