અમદાવાદમાં આગનું તાંડવ: શ્યામલના શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ, જિમમાં ફસાયેલા 30 લોકોનું કરાયું દિલધડક રેસ્ક્યૂ
-
બેંકના ATM માંથી ફાટી નીકળેલી આગે જિમને લીધું ઝપેટમાં- પાર્કિંગમાં વાહનો બળીને ખાખ; ફાયરબ્રિગેડની 20 ગાડીઓએ આગ ઓલવી
-
કોટક મહિન્દ્રા બેંકથી HR ફિટનેસ જિમ સુધી પ્રસરી આગ- 50 અધિકારીઓએ 4 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી; કોઈ જાનહાનિ નહીં
-
શ્યામલ-પ્રહલાદનગર રોડ કરાયો બંધ- FSL ની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો; કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી બિલ્ડિંગ સીલ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વ્યસ્ત શ્યામલ ચાર રસ્તા પાસે આજે મધરાતે શાંગરીલા-2 આર્કેડમાં ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોટક મહિન્દ્રા બેંકના એટીએમ પાસે અચાનક લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગ ધીમે ધીમે ઉપરના માળે પ્રસરી ગઈ હતી, જ્યાં બીજા માળે આવેલા ‘HR ફિટનેસ’ નામના જિમમાં 25 થી 30 લોકો કસરત કરી રહ્યા હતા અને ધુમાડાને કારણે ત્યાં જ ફસાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ અમદાવાદ ફાયરબ્રિગેડની 20 થી વધુ ગાડીઓ અને 50 થી વધુ જવાનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરબ્રિગેડે સૌપ્રથમ જિમમાં ફસાયેલા લોકોને હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને સીડીની મદદથી સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા. આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, પરંતુ જવાનોની સમયસૂચકતાને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, બિલ્ડિંગના પાર્કિંગમાં ઉભેલા અનેક વાહનો આ આગની ઝપેટમાં આવી ગયા હતા અને બળીને રાખ થઈ ગયા હતા.
આગને નજરે જોનાર એક ખાનગી ઓફિસના કર્મચારી સિદ્ધિ દેખાઈએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ઓફિસમાં વાહન પાર્ક કરવા જઈ રહ્યા હતા ત્યારે એટીએમ પાસે આગની જવાળાઓ જોઈ હતી. તેમણે તાત્કાલિક અન્ય લોકોને સતર્ક કર્યા હતા અને વાહનો ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતામાં પાર્કિંગમાં ઉભેલા વાહનો ખાખ થઈ ગયા હતા. ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના રસ્તાઓ પર લોકોના ટોળા જામ્યા હતા.
વહીવટી તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવ્યા બાદ તકેદારીના ભાગરૂપે શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જતો રોડ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ કાફલો અને એફએસએલ (FSL) ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે, પરંતુ એફએસએલ રિપોર્ટ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે.
હાલમાં સુરક્ષાના કારણોસર શાંગરીલા-2 આર્કેડને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવ્યું છે. પોલીસ વિભાગે આદેશ આપ્યો છે કે જ્યાં સુધી એફએસએલની તપાસ અને ફાયર સેફ્ટીના ઓડિટની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વ્યાપારિક કોમ્પ્લેક્સ બંધ રાખવામાં આવશે. આ ઘટનાએ શહેરની વ્યાપારિક ઇમારતોમાં ફાયર સેફ્ટીના અમલીકરણ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.