ગુજરાતમાં આસો માસમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત્. રાજકોટમાં મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.
-
યુવી ઇન્ડેક્સ 11 સુધી પહોંચતા ગંભીર જોખમ.
-
મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક વધ્યું.
-
આગામી પાંચ દિવસ સુધી ગરમીથી રાહત નહીં.
સિટી ન્યુઝ @ રાજકોટ
ગુજરાતમાં આસો માસ ચાલી રહ્યો હોવા છતાં અમદાવાદ અને રાજકોટ સહિત અનેક શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં વાદળોનું આવરણ ઘટવાને કારણે બપોરના સમયે પારજાંબલી (UV) કિરણોનું પ્રમાણ ખતરનાક સપાટીએ પહોંચ્યું છે, જ્યાં રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦.૧ ડિગ્રી નોંધાયું છે જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ તાપમાન ૩૮.૧ ડિગ્રી નોંધાયું છે અને રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે રહ્યું છે.
હવામાનમાં પ્રવર્તતી આ સ્થિતિ વચ્ચે રાજ્યના મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણ પણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે, જેમાં અમદાવાદનો AQI ૧૩૧, સુરતનો ૧૪૩ અને રાજકોટનો AQI ૧૦૧ થી ૧૩૯ વચ્ચે નોંધાયો છે. મધ્યાહ્ન સમયે UV ઇન્ડેક્સ ૭ થી ૯ અને કેટલાક સ્થળોએ ૧૧ સુધી પહોંચી ગયો છે, જે ત્વચા અને આંખો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તબીબો અને હવામાન નિષ્ણાતો દ્વારા બપોરે ૧૧ થી ૩ વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવાની તેમજ તડકાથી બચવા માટે છત્રી, ટોપી અને સનગ્લાસિસનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
શરદ પૂનમ નજીક છતાં આકાશમાં અગનગોળા વરસી રહ્યા છે
ગુજરાતમાં આસો માસમાં પણ ગરમીનું જોર ઘટવાનું નામ લેતું નથી. રાજકોટમાં તાપમાન ૪૦.૧ ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે. બીજી તરફ, ઊંચા UV ઇન્ડેક્સ અને વધતા પ્રદૂષણને કારણે નાગરિકોને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આગામી પાંચ દિવસ સુધી રાહત મળવાની કોઈ શક્યતા નથી.