Loading Please Wait !!!
મેટાના ચશ્મા બન્યા જાસૂસ, પૂછ્યા વગર કરે રેકોર્ડિંગ!

 

  • સ્માર્ટ ચશ્માની વધુ પડતી હોશિયારી, યુઝર્સની પ્રાઈવસી જોખમમાં!

  • ચશ્મા પહેરતા સાવધાન! તમારી અંગત વાતો થાય છે રેકોર્ડ.

  • કમાન્ડ વગર જ એઆઈ એક્ટિવ, મેટાની પોલ ખુલી!

સિટી ન્યુઝ @ કેલિફોર્નિયા 

માર્ક ઝકરબર્ગની કંપની મેટા દ્વારા લોન્ચ કરવામાં આવેલા મેટા સ્માર્ટ ગ્લાસિસ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. આ સ્માર્ટ ચશ્મા યુઝર્સની જાણ બહાર જ તેમની અંગત વાતચીત રેકોર્ડ કરતા હોવાની ગંભીર ફરિયાદો સામે આવી છે, જેના કારણે ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે.

મેટાના સ્માર્ટ ગ્લાસિસ વાપરતા કેટલાક યુઝર્સે દાવો કર્યો છે કે ‘હે મેટા’ વોઈસ કમાન્ડ બોલ્યા વગર જ તેનું એઆઈ આસિસ્ટન્ટ આપમેળે એક્ટિવ થઈ જાય છે. યુઝર્સ જ્યારે સામાન્ય વાતચીત કરતા હોય ત્યારે પણ ચશ્મા તેનું ઓડિયો રેકોર્ડિંગ કરી લે છે અને તેની ટ્રાન્સક્રિપ્ટ મેટા એઆઈ એપમાં સેવ થઈ જાય છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 1 યુઝરે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે મેટા સ્માર્ટ ગ્લાસિસના 2nd અને 3rd જનરેશનના મોડલમાં આ પ્રકારની રેકોર્ડિંગની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. અનેક લોકોની અંગત વાતચીતની ટ્રાન્સક્રિપ્ટ એપની હિસ્ટ્રીમાં અચાનક જોવા મળતા યુઝર્સ ચોંકી ઉઠ્યા હતા.

ઘણા યુઝર્સે એવી પણ ફરિયાદ કરી છે કે તેઓ એઆઈ આસિસ્ટન્ટ ચાલુ ન કરે તો પણ તે બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહે છે. આ ટેકનિકલ ખામી છે કે પછી કંપનીની કોઈ પોલિસી, તે અંગે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે મેટાના આ ગ્લાસિસમાં અદ્યતન કેમેરા, માઈક્રોફોન અને એઆઈ આસિસ્ટન્ટની સુવિધા આપવામાં આવી છે, જેથી યુઝર્સ હાથનો ઉપયોગ કર્યા વિના ફોટા-વીડિયો લઈ શકે અને વોઈસ કમાન્ડથી વાત કરી શકે. પરંતુ આ સુવિધા ગમે ત્યારે આપમેળે ચાલુ થઈ જતી હોવાથી હવે લોકોની પ્રાઈવસી સામે મોટું જોખમ ઊભું થયું છે.

 

આધુનિક ટેકનોલોજીના નામે યુઝર્સની અંગત પ્રાઈવસીનું જોખમ

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ ગેજેટ્સ માનવીનું જીવન સરળ બનાવવાના દાવા કરે છે, પરંતુ મેટા સ્માર્ટ ગ્લાસિસનો આ કિસ્સો કંઈક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. હાથનો ઉપયોગ કર્યા વિના ફોટા પાડવા અને એઆઈ સાથે વાત કરવાની સુવિધા આપતા આ ચશ્મા જ્યારે માલિકની પરવાનગી વગર જ તેની અંગત વાતો સાંભળવા અને રેકોર્ડ કરવા લાગે, ત્યારે સવાલ થાય છે કે આપણે સુવિધા ખરીદી રહ્યા છીએ કે જાસૂસી? ટેકનોલોજી પરનો આંધળો વિશ્વાસ હવે અંગત જીવનની ગોપનીયતા માટે જોખમી સાબિત થઈ રહ્યો છે.