અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ થશે.
-
નરોડા, વટવા અને ઓઢવના એકમો ખસેડાશે.
-
વીસ લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ તોળાયું.
-
કાયમી શિફ્ટિંગને બદલે બે મહિના બંધ રાખવાનો પ્રસ્તાવ.
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ પૂર્વે વાયુ પ્રદૂષણ ઘટાડવાના હેતુસર નરોડા, વટવા અને ઓઢવ જેવા મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોના એકમોને ખેડા અથવા શહેર બહાર ખસેડવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તંત્રના આ પ્રસ્તાવથી નાના-મધ્યમ ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન થવાની સાથે અંદાજે 20 લાખ જેટલા કામદારો અને તેમના પરિવારજનો પર બેરોજગારીનું સંકટ તોળાઈ રહ્યું છે.
કાયમી શિફ્ટિંગના વિરોધમાં ઉદ્યોગકારોએ ગેમ્સના સમયગાળા દરમિયાન 2 મહિના સુધી એકમો સ્વેચ્છાએ બંધ રાખીને કામદારોને પૂરો પગાર ચૂકવવાનો વ્યવહારુ વિકલ્પ રજૂ કર્યો છે. જો કે, આ સમગ્ર પ્રક્રિયા પાછળ બિલ્ડર લોબીને કિંમતી પ્રાઈમ જમીન સોંપવાનો આશય હોવાની પ્રબળ આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને લઈને ઉદ્યોગ જગતમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો શિફ્ટ કરવા સામે વિરોધ
અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલાં પ્રદૂષણ ઘટાડવા માટે નરોડા, વટવા અને ઓઢવના ઔદ્યોગિક એકમોને બહાર ખસેડવાની ચર્ચાથી લાખો શ્રમિકોની રોજગારી સામે જોખમ ઉભું થયું છે. ઉદ્યોગોએ કાયમી શિફ્ટિંગના બદલે ગેમ્સ દરમિયાન બે મહિના એકમો બંધ રાખવાનો વિકલ્પ સૂચવ્યો છે અને આ પાછળ બિલ્ડર લોબીને પ્રાઈમ જમીન આપવાનો હેતુ હોવાની આશંકા વ્યક્ત કરી છે.