સુંદરતાનો ઘરેલું ઉપાય ત્વચા માટે બની શકે જોખમી! ચહેરાની ચમક વધારવા જતાં મુલતાની માટીથી થશે નુકસાન!
-
ગોરા થવાની લહાયમાં મુલતાની માટી ચહેરો બગાડશે!
-
સુંદરતા વધારતી માટી જ છીનવી લેશે ચહેરાનું નૂર!
-
સમજ્યા વગર ચહેરે માટી ચોપડતા પહેલા ચેતી જજો!
સિટી ન્યુઝ @ હેલ્થ
ભારતીય ઘરોમાં સદીઓથી ત્વચાની સંભાળ માટે મુલતાની માટીને 1 લોકપ્રિય અને કુદરતી ઉપાય માનવામાં આવે છે. જોકે ત્વચારોગ વિજ્ઞાનીઓના મતે, ત્વચાની જરૂરિયાત સમજ્યા વગર તેનો અયોગ્ય અને વધુ પડતો ઉપયોગ કરવાથી ચહેરાનો કુદરતી ભેજ છીનવાઈ જાય છે અને ત્વચાને ગંભીર નુકસાન પહોંચી શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જે લોકોની ત્વચા ડિહાઇડ્રેટેડ હોય તેમણે મુલતાની માટી વાપરતી વખતે ખાસ સાવચેતી રાખવી જોઈએ. લોકોમાં એવી ગેરસમજ હોય છે કે ઓઇલી ત્વચા ડિહાઇડ્રેટેડ ન હોઈ શકે, પરંતુ તૈલી ત્વચા પણ અંદરથી સૂકી હોઈ શકે છે. આવી સ્થિતિમાં માટીનો વારંવાર ઉપયોગ કરવાથી ત્વચામાં શુષ્કતા આવે છે અને ચહેરો નિર્જીવ દેખાવા લાગે છે.
સામાન્ય રીતે લોકો ફેસ પેક પૂરો સુકાઈ જાય ત્યાં સુધી ચહેરા પર રાખે છે, પરંતુ તેનાથી ત્વચામાં ખેંચાણ આવે છે અને નેચરલ ઓઇલ ખતમ થઈ જાય છે. તેથી પેક સહેજ ભેજવાળો હોય ત્યારે જ ધોઈ લેવો જોઈએ અને અઠવાડિયામાં માત્ર 1 થી 2 વાર જ તેનો ઉપયોગ કરવો હિતાવહ છે.
ચહેરો ધોયા પછી ત્વચાનો ભેજ જાળવી રાખવા માટે તરત જ હળવું મોઇશ્ચરાઇઝર લગાવવું ફરજિયાત છે. આ ઉપરાંત કોઈપણ નવો ઘરેલું ઉપાય કે સ્કિનકેર પ્રોડક્ટ સીધો ચહેરા પર અજમાવતા પહેલા કાનની પાછળ કે હાથ પર 1 વાર પેચ ટેસ્ટ કરી લેવો ખૂબ જ જરૂરી છે.
મુલતાની માટી લગાવ્યા પછી જો ચહેરા પર સતત બળતરા, ખંજવાળ, લાલાશ કે રેશેસ થઈ જાય અથવા ત્વચામાં અત્યાધિક શુષ્કતા આવીને પપડીઓ ઉખડવા લાગે, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. આવા લક્ષણો દેખાય ત્યારે ઘરેલું અખતરા કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સુંદરતાની આંધળી દોટમાં ત્વચાની કુદરતી ચમક ગુમાવવાનો વારો
ઘરગથ્થુ ઉપચારો હંમેશા સુરક્ષિત જ હોય છે તેવી માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. સુંદર દેખાવાની લહાયમાં લોકો પોતાની ત્વચાનો પ્રકાર જાણ્યા વગર જ મુલતાની માટીના થથેડા ચહેરા પર કરી દે છે. કુદરતી નિખાર મેળવવાના ચક્કરમાં જ્યારે ચહેરાનો કુદરતી ભેજ જ છીનવાઈ જાય અને ત્વચા સૂકીભઠ્ઠ થઈને બળતરા કરવા લાગે, ત્યારે સમજવું કે સુંદરતાનો આ સસ્તો અખતરો ત્વચાને ભારે પડી ગયો છે.