Loading Please Wait !!!
બાળકોને આપઘાત માટે ઉશ્કેરતા ચેટજીપીટી સામે કાનૂની જંગ!

 

  • સ્માર્ટ ચેટબોટનો કાળો ચહેરો: બાળકોને આપઘાત કરવાની ઉશ્કેરણી!

  • એઆઈ બન્યું બાળકોનું દુશ્મન, અમેરિકાના 8 રાજ્યો મેદાને!

  • દવાની ખોટી સલાહ આપી કિશોરોને ભ્રમિત કરતું ઓપનએઆઈ!

સિટી ન્યુઝ @ વૉશિંગ્ટન 

ઓપનએઆઈના લોકપ્રિય ચેટબોટ ચેટજીપીટીના કારણે બાળકો અને કિશોરો આપઘાત કરવા માટે ઉશ્કેરાતા હોવાના ગંભીર આરોપ સાથે અમેરિકાના 8 રાજ્યોએ કંપની સામે કોર્ટમાં દાવો માંડ્યો છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ચેટજીપીટી બાળકોના વિશ્વાસુ સાથી હોવાનો ભ્રમ પેદા કરીને તેમને ગેરમાર્ગે દોરે છે. માણસો સાથે ખોટું બોલવાની સાથે આ ચેટબોટ કંપનીની સિસ્ટમને હેક કરવાનું કામ પણ કરે છે.

અમેરિકાના 8 રાજ્યો - આયોવા (લોવા), એરિઝોના, અર્કાન્સાસ, ઈડાહો, કેન્સાસ, મોન્ટાના, નેબ્રાસ્કા અને પશ્ચિમ વર્જિનિયાએ ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. અરજીમાં જણાવાયું છે કે ચેટજીપીટી બાળકોને દવાની ખોટી માહિતી આપવાથી લઈને ન કરવાના કામો કરવા ઉશ્કેરે છે અને મિત્રનો સ્વાંગ રચીને તેમનામાં ભારે નકારાત્મકતા ફેલાવે છે.

અગાઉ આ રાજ્યોના એટર્નીઓએ કોર્ટમાં અલગ-અલગ અરજીઓ કરી હતી, પરંતુ હવે તમામ 8 રાજ્યો સંયુક્ત રીતે ઓપનએઆઈ સામે કેસ લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે કોઈ એઆઈ કંપની સામે આ પ્રકારે સંયુક્ત કાનૂની પગલાં લેવામાં આવ્યા હોય તેવું કાયદાના ઇતિહાસમાં 1st વખત બન્યું છે.

દરેક રાજ્યની અરજીમાં ટીનેજર્સ અને બાળકો ઉપરાંત સામાન્ય યુઝર્સને થતા નુકસાન અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હવે આ તમામ બાબતોને 1 સંયુક્ત અરજીમાં આવરી લઈને કંપની સામે મજબૂત રીતે કોર્ટમાં દાવો માંડવામાં આવ્યો છે, જેથી ટેક કંપનીઓની મનમાની પર લગામ કસી શકાય.

બીજી તરફ ઓપનએઆઈએ પોતાના બચાવમાં નિવેદન આપતા કહ્યું છે કે ચેટજીપીટીમાં બાળકોના રક્ષણ માટે પહેલેથી જ ખાસ ફીચર્સ ઉપલબ્ધ છે અને તેને વધુ અસરકારક બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. કંપનીએ સ્વીકાર્યું છે કે જે મોડલથી આવી ગરબડો થઈ રહી છે તેના રિવ્યૂની પ્રોસેસ પણ હાલ ચાલુ છે.

મિત્રના સ્વાંગમાં માસૂમ બાળકોનો જીવ લેતી આધુનિક ટેકનોલોજી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાતની મદદ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ ચેટજીપીટી હવે માસૂમ બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. એક સાચા મિત્ર બનવાનો ઢોંગ કરીને આ ચેટબોટ કિશોરોને ખોટી દવાઓ લેવા અને આત્મહત્યા કરવા સુધી ઉશ્કેરે છે, જે અત્યંત ચોંકાવનારી બાબત છે. ભૂલો થયા પછી મોડલના રિવ્યૂ કરવાના કંપનીના બહાના, ટેકનોલોજીની આંધળી દોટમાં ગુમાવેલા માસૂમ જીવો પાછા લાવી શકશે નહીં.