વ્હોટ્સએપ ટિપ્સના ચક્કરમાં રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા! શેરબજાર કૌભાંડ મામલે ઇડીના ગુજરાતમાં મોટા દરોડા.
-
ભાવનગરથી સંચાલિત વ્હોટ્સએપ ગ્રૂપ દ્વારા કૌભાંડ આચર્યું.
-
એક લાખથી વધુ નાના રોકાણકારોને નુકસાન થયું.
-
બે કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધાર્યા.
સિટી ન્યુઝ @ અમદાવાદ
શેરબજારમાં બે કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારીને નાના રોકાણકારોને ફસાવવાના અને મોટા પાયે મની લોન્ડરિંગ કરવાના કથિત કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુજરાત સહિત દેશના છ શહેરોમાં કુલ ૨૯ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. તપાસના કેન્દ્રમાં 'આર એમ ડ્રિપ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ' અને 'આર એન્ડ બી ડેનિમ લિમિટેડ' કંપનીઓ છે. ભાવનગરથી સંચાલિત વ્હોટ્સએપ ગ્રૂપના માધ્યમથી એક લાખથી વધુ નાના રોકાણકારોને આ શેર ખરીદવા માટે લલચાવવામાં આવ્યા હતા અને બાદમાં ગ્રૂપ અચાનક ડિલીટ કરી દેવાતા રોકાણકારોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગર ખાતે આવેલી કંપનીઓની કચેરીઓ, પ્રમોટરોના રહેઠાણો તેમજ બ્રોકિંગ અને નાણાકીય કંપનીઓની જગ્યાઓ પર EDએ સઘન તપાસ હાથ ધરી હતી. એપ્રિલ ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ દરમિયાન આ કંપનીઓએ ચોક્કસ વ્યક્તિઓને ૩.૫ કરોડથી વધુ શેર અને વોરંટ જારી કર્યા હતા. ડિસેમ્બર ૨૦૨૫થી ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન વ્હોટ્સએપ ગ્રૂપમાં આ શેરને મલ્ટીબેગર ગણાવીને ખરીદીની ટિપ્સ અપાતી હતી. હરિયાણા અને મુંબઈના સિમકાર્ડ વાપરીને આ નેટવર્ક ભાવનગરથી ચલાવવામાં આવતું હતું. ગત ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ગ્રૂપ અચાનક ડિલીટ થતાં શેરના ભાવ ૭૦ ટકા સુધી તૂટી ગયા હતા અને રોકાણકારો ફસાઈ ગયા હતા.
શેરબજાર કૌભાંડ મામલે ઇડીના ૨૯ સ્થળો પર દરોડા
શેરબજારમાં બે કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારીને રોકાણકારો સાથે છેતરપિંડી કરવાના અને મની લોન્ડરિંગના કેસમાં ઇડીએ ગુજરાત સહિત છ શહેરોમાં ૨૯ સ્થળોએ દરોડા પાડ્યા છે. ભાવનગરથી વ્હોટ્સએપ ગ્રૂપ ચલાવીને એક લાખથી વધુ રોકાણકારોને ફસાવવામાં આવ્યા હતા અને અચાનક ગ્રૂપ બંધ કરી દેવાતા શેરોના ભાવ ૭૦ ટકા સુધી તૂટી ગયા હતા.