ટેકનોલોજીમાં ઇજારો જમાવવા ચીનનો 26 પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ!
-
ખનીજ પછી હવે ટેકનોલોજી પર ચીનની ચાલાક કુંડળી!
-
પ્રજામતના નાટક પાછળ ચીનનું 26 પ્રોડક્ટ્સ રોકવાનું ષડયંત્ર!
-
એઆઈ અને સોલર ટેકનોલોજીમાં ડ્રેગનની દાદાગીરી કરવાની તૈયારી!
સિટી ન્યુઝ @ બેઈજિંગ
રેર અર્થ મિનરલ્સ એટલે કે દુર્લભ ખનીજોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી હવે ચીનની સરકારે વૈશ્વિક બજારમાં પોતાનો ઇજારો જમાવવા એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. ચીન હવે એઆઈ, બાયોટેકનોલોજી અને સોલર પાવર ટેકનોલોજી જેવા મહત્ત્વના સેક્ટરની પ્રોડક્ટ્સની નિકાસ પર પ્રતિબંધ મૂકીને પોતાની મોનોપોલી સર્જવા માંગે છે.
ચીનના વેપાર અને વિજ્ઞાન વિભાગે સંયુક્ત રીતે રજૂ કરેલા આ ડ્રાફ્ટમાં પ્રસ્તાવ મૂક્યો છે કે એઆઈ, સોલર પાવર, બાયોટેકનોલોજી, જીન થેરપી અને સ્ટેમ સેલ સહિતની મહત્ત્વની ટેકનોલોજી દેશના હિતમાં જ રહે તે માટે તેની નિકાસ અટકાવવી જોઈએ. ચીન માને છે કે આ પગલાથી લાંબાગાળે તેમના દેશને મોટો ફાયદો થશે.
વિશ્વ સમક્ષ આ નિર્ણય અચાનક લેવાયો છે તેવું ન દેખાય અને ડિપ્લોમેટિક બાબતમાં પ્રજામતનું નામ આપી શકાય, તે માટે ચીને આગામી 1 માસ માટે લોકોનો ઓપિનિયન મંગાવવાનું નાટક કર્યું છે. આ ઓપિનિયનના આધારે ચીન 14 સેક્ટર્સની કુલ 26 ટેકનોલોજિકલ પ્રોડક્ટની નિકાસ બંધ કરવા ધારે છે.
આવતા વર્ષે જાન્યુઆરીથી આ નિકાસ અટકાવવાની ચીનની ગણતરી છે. અગાઉ ટેકનોલોજીના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા દુર્લભ ખનીજોની નિકાસ પર પણ ચીને પ્રતિબંધ મૂક્યો હતો. રેર અર્થ મિનરલ્સમાં ચીનની મોનોપોલી હોવાથી તેની નિકાસ અટકે તો વિશ્વની મોટી ટેક કંપનીઓને પ્રોડક્ટ બનાવવામાં સીધી અસર થાય તેમ છે.
ચીન હવે એઆઈ ચીપથી માંડીને ફ્લેશ મેમરી સહિતની એવી 26 પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ મૂકવા માંગે છે જેના વગર ટેક જગતને ચાલતું નથી. આ નવા પ્રતિબંધથી ઉત્પાદન ક્ષેત્રે ચીનની મોનોપોલી સર્જાશે અને તેની સૌથી વધુ વિપરીત અસર અમેરિકન તથા ભારતીય કંપનીઓને થાય તેવી શક્યતા છે.
પ્રજામતના નાટક પાછળ ચીનની વૈશ્વિક ટેક મોનોપોલીની ચાલ
ચીન હંમેશા પોતાની વિસ્તારવાદી અને સ્વાર્થી નીતિઓ માટે જાણીતું છે. પહેલા દુર્લભ ખનીજો રોક્યા બાદ હવે એઆઈ અને બાયોટેકનોલોજી જેવી મહત્ત્વની વસ્તુઓની નિકાસ અટકાવીને ચીન આખી દુનિયાને પોતાના પર નિર્ભર બનાવવા માંગે છે. લોકશાહીનું નાટક કરીને પ્રજામત માંગવો એ માત્ર દુનિયાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ છે. હકીકતમાં ચીનનો ઈરાદો ભારત અને અમેરિકાના વિકાસને રોકીને પોતાની વૈશ્વિક મોનોપોલી સ્થાપવાનો જ છે.