ભારતમાં ડેંગ્યુથી બચવા માટેની પહેલી CDSCO મંજૂર વેક્સિન આવતા વર્ષે બજારમાં આવશે
-
શરૂઆતમાં આ રસી બાળકો અને વયસ્કો માટે ખાનગી બજારમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે
-
ડેંગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થવાથી બચવામાં આ રસી ૮૪ ટકા સુધી અસરકારક સાબિત થઈ છે
-
ક્લિનિકલ ટ્રાયલના લાંબા ફોલો-અપ મુજબ ૪.૫ વર્ષ સુધી ડેંગ્યુના કેસ રોકવામાં ૬૧.૨ ટકા અસરકારકતા
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતમાં ડેંગ્યુના પ્રકોપથી બચવા માટે દેશની પહેલી સીડીએસસીઓ (CDSCO) મંજૂર વેક્સિન આગામી વર્ષે બજારમાં ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાપાની પ્રખ્યાત દવા કંપની તાકેડા (Takeda) ની 'ક્યુડીએન્ગા' (Qdenga) વેક્સિનને વર્ષ ૨૦૨૭ ના પ્રથમ છ માસિક ગાળામાં ભારતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયાફી ચાલી રહી છે. આ વેક્સિનના પ્રચાર અને વ્યાપારી વિતરણ માટે કંપનીએ ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝની સાથે એકસક્લુઝીવ પાર્ટનરશીપ કરી છે. શરૂઆતના તબક્કામાં આ વેક્સિન બાળકો અને વયસ્કો માટે ખાનગી બજારમાં ઉપલબ્ધ થશે.
ભારતમાં ડેંગ્યુ વાયરસના ચાર મુખ્ય પ્રકાર કે સીરોટાઈપ જોવા મળે છે, અને કેટલાક દર્દીઓમાં એકથી વધુ સીરોટાઈપનું સંક્રમણ પણ બહાર આવ્યું છે. આ ગંભીર સ્થિતિમાં આવી વેક્સિન અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે, જે વાયરસના ચારેય પ્રકાર સામે સુરક્ષા આપી શકે. તાકેડા કંપનીના જણાવ્યા મુજબ તેમની આ વેક્સિનને ડેંગ્યુના ચારેય સીરોટાઈપ સામે રક્ષણ આપવા માટે જ વિકસિત કરવામાં આવી છે. ખાસ રાહતની વાત એ છે કે આ વેક્સિન લગાવતા પહેલા વ્યક્તિએ એ તપાસ કરવાની જરૂર રહેશે નહીં કે તેને અગાઉ ક્યારેય ડેંગ્યુ થયો હતો કે નહીં. ભારતમાં આ રસીની મંજૂરી ૪ વર્ષથી લઈને ૬૦ વર્ષની વયના લોકો માટે આપવામાં આવી છે.
વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલ બાદના લાંબા ફોલો-અપમાં પણ સુરક્ષાને લગતા ઉત્સાહજનક આંકડા બહાર આવ્યા છે. તાકેડા કંપનીના વર્ષ ૨૦૨૫ ના વિશ્લેષણ મુજબ, વેક્સિન લગાવ્યાના ૪.૫ વર્ષ સુધી વાયરસથી પુષ્ટિ થયેલા ડેંગ્યુના કેસોને રોકવામાં તેની અસરકારકતા ૬૧.૨ ટકા રહી હતી, જ્યારે ડેંગ્યુના ગંભીર સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થવાથી બચવાના કિસ્સામાં તેની અસરકારકતા અદભુત રીતે ૮૪ ટકા જેટલી ઊંચી રહી હતી. ઉલ્લેખનીય છે કે જાપાનની આ વેક્સિનને અગાઉથી જ વિશ્વના ૪૩ દેશોમાં મંજૂરી મળી ચૂકી છે અને દુનિયાભરમાં તેના ૩.૨ કરોડથી વધુ ડોઝ સફળતાપૂર્વક વિતરીત કરવામાં આવ્યા છે. જોકે, ભારતમાં આ વેક્સિનની ચોક્કસ કિંમત હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.
આરોગ્ય અને તબીબી વિજ્ઞાન
ડેંગ્યુ જેવી મચ્છરજન્ય અને ગંભીર બિમારીઓ સામે રક્ષણ મેળવવા માટે આધુનિક રસીકરણની ઉપલબ્ધતા જનસમુદાયના આરોગ્ય અને સુરક્ષા માટે એક મોટું ક્રાંતિકારી પગલું સાબિત થાય છે.