Loading Please Wait !!!
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૨૪ તાલુકામાં વરસાદ, અરવલ્લી અને ગીર સોમનાથમાં ૩ ઈંચથી વધુ ખાબક્યો

 

  • દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન

  • આગામી બે દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની વ્યક્ત કરાઈ શક્યતા

  • રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૬૧૬.૮ મીમી વરસાદ નોંધાયો, જે સામાન્ય કરતા ૮ ટકા ઓછો છે

સિટી ન્યુઝ @ અમદાવાદ

ગુજરાતભરમાં ચોમાસાની સક્રિયતા વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કુલ ૨૨૪ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા વિસ્તારમાં ૩ ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે રાજ્યના ૬૬ જેટલા તાલુકાઓમાં દોઢ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ છતાં, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પૂરતા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, રાજ્યમાં આગામી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ અને છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા પડવાનો સિલસિલો જળવાઈ રહેશે. આ દરમિયાન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે, જ્યારે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનીને 'લો પ્રેશર' સિસ્ટમમાં પરિવર્તિત થઈ ગયું છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય હોવાના કારણે વરસાદી માહોલ યથાવત રહ્યો છે. આ સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ ૬૧૬.૮ મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ એટલે કે ૬૭૩.૯ મીમી કરતાં હજુ ૮ ટકા ઓછો છે. હવામાન વિભાગના સ્પષ્ટતા મુજબ આગામી સાત દિવસમાં કોઈ ભારે કે અતિભારી વરસાદની મોટી શક્યતા નથી, પરંતુ લો પ્રેશર અને મોન્સૂન ટ્રકની અસરને કારણે હળવાથી મધ્યમ વરસાદના સ્પેલ ચાલુ રહેશે.

હવામાન અને કૃષિ

ઋતુચક્રના આ તબક્કે સક્રિય થતી વરસાદી સિસ્ટમો રાજ્યના જળસ્રોતો અને મોડેથી વાવેતર પામેલા પાકો માટે પૂરક સાબિત થતી હોય છે.