રાષ્ટ્રીય ધોરી માર્ગો પર સુરક્ષા ઉપકરણો બગડવા કે બંધ રહેવા પર કંપનીઓને થશે ભારે દંડ
-
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને લઈને લેવાયા પગલાં
-
ટ્રાફિક મોનિટરીંગ કેમેરા, સ્પીડ ડીટેક્શન અને ઇલેક્ટ્રોનિક્સ સૂચના બોર્ડ રાખવા પડશે કાર્યરત
-
અકસ્માત, રોંગસાઇડ ડ્રાઇવિંગ કે ધુમ્મસ જેવા અવરોધો પર કંટ્રોલરૂમ દ્વારા ત્વરિત કાર્યવાહી
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશના રાષ્ટ્રીય ધોરી માર્ગો પર મુસાફરોની સુરક્ષા માટે લગાવવામાં આવતા ઉપકરણોમાં ખરાબી સર્જાય અથવા તે બંધ રહે તો સંબંધિત કંપનીઓને હવે ભારે કિંમત ચૂકવવી પડશે. સીસીટીવી કેમેરા, સેન્સર, ઇલેક્ટ્રોનિક્સ સૂચના બોર્ડ અને સ્પીડ ડીટેક્શન જેવા મહત્વના ઉપકરણો જો ખરાબ થાય કે નિયત સમય કરતાં વધુ સમય સુધી બંધ રહે, તો તે તમામ કંપનીઓને પ્રતિ સાધન-પ્રતિ દિવસ સેવાદરના ૧૨૦ ટકા સુધીનો તોતિંગ દંડ ફટકારવામાં આવશે. આટલું જ નહીં, ગંભીર બેદરકારીના કિસ્સામાં કંપનીનો કોન્ટ્રાક્ટ પણ રદ કરવામાં આવી શકે છે, તેમજ સેવા સંબંધી નિયમોના ઉલ્લંઘન બદલ દરેક કિસ્સામાં જુદો-જુદો એક લાખ રૂપિયાનો વધારાનો દંડ પણ લાગુ કરવામાં આવશે.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા આ નવા અને કડક દિશાનિર્દેશો જારી કરવામાં આવ્યા છે. આ અંગે સીનિયર અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે હાઇવે તથા એક્સપ્રેસ-વે પરની સફરને સંપૂર્ણ સુરક્ષિત બનાવવા માટેની 'એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ' માત્ર દેખાવ પૂરતી નથી, પરંતુ તે પળેપળ યાત્રીઓની સુરક્ષા માટે અત્યંત આવશ્યક છે. સરકાર દ્વારા આ વ્યવસ્થા અંતર્ગત હાઇવે પર ટ્રાફિક મોનિટરિંગ કેમેરા, વિડિયો ઇન્સિડેન્ટ ડીટેક્શન સિસ્ટમ, વેરિએબલ મેસેજ સાઇન બોર્ડ, વાહનગતિ પ્રણાલી, ઓટોમેટિક નંબર પ્લેટ રીડર, ઇમરજન્સી સૂચના અને ટ્રાફિક મેનેજમેન્ટ સેન્ટર જેવા આધુનિક ઉપકરણો લગાવવામાં આવ્યા છે.
હાઇવે કે એક્સપ્રેસ-વે પર અકસ્માત થાય, વાહન ખરાબ થઈ જાય, કોઈ વાહન રોંગસાઇડમાં જાય, નિયત ગતિ કરતાં વધુ સ્પીડ હોય, આગ લાગે, ધુમ્મસ છવાઈ જાય કે માર્ગ પર અન્ય કોઈ અવરોધ ઊભો થાય ત્યારે તેની માહિતી મળતા જ કંટ્રોલ રૂમ પરથી સંબંધિત એજન્સીઓએ તાબડતોબ કાર્યવાહી કરવાની હોય છે. સંચાલન, મેન્ટેનન્સ તથા રિપેરીંગ માટે અગાઉથી જ નિયત માર્ગદર્શિકા હોવા છતાં કોન્ટ્રાક્ટર એજન્સીઓ દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવતી હતી. હવે આવી બેદરકાર કંપનીઓને સીધી દોર કરવા અને હાઇવે પર મુસાફરોને તમામ જરૂરી સુવિધાઓ અવિરત મળી રહે તે માટે આ ધરખમ દંડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના દાવા મુજબ આ એડવાન્સ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ હાઇવે પ્રવાસીઓને અકસ્માત કે અવરોધ સમયે ત્વરિત એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ વાહન, ક્રેન અને પોલીસની મદદ પૂરી પાડીને ત્રિસ્તરીય સુરક્ષા પ્રદાન કરે છે.
માર્ગ સુરક્ષા અને પ્રશાસન
રાષ્ટ્રીય ધોરી માર્ગો પર મુસાફરોની સુરક્ષા અને અદ્યતન ટેકનોલોજી આધારિત વ્યવસ્થાઓનું નિયમિત જાળવણી કાર્ય સુનિશ્ચિત કરવું એ માર્ગ પરિવહન વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને વિશ્વાસપાત્ર બનાવે છે.