Loading Please Wait !!!
દક્ષિણ મુંબઈના ૧૦૮ વર્ષ જૂના પ્રખ્યાત ઓલિમ્પિયા કોફી હાઉસ સામે એફડીએની કડક કાર્યવાહી

 

  • ગ્રાહકની સત્તાવાર ફરિયાદના આધારે ગત ૧૬ સપ્ટેમ્બરે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરાઈ તપાસ

  • ખોરાક સંગ્રહવાના વિસ્તારમાં યુરિનલ અને જમીન પર સીધી ખાદ્ય સામગ્રી રાખવાની ગંભીર બેદરકારી

  • ૩૫માંથી ૩૪ કર્મચારીઓએ ફરજિયાત ખાદ્ય સુરક્ષા તાલીમ લીધી ન હોવાનું પણ આવ્યું સામે

સિટી ન્યુઝ @ મુંબઈ

દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલી ૧૦૮ વર્ષ જૂની અને અત્યંત લોકપ્રિય ઓલિમ્પિયા કોફી હાઉસ સામે મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી છે. એક ગ્રાહકની સત્તાવાર ફરિયાદના આધારે ગત ૧૬ સપ્ટેમ્બરે કરવામાં આવેલી ઓચિતી તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાની ગંભીર ખામીઓ મળી આવતા આ કેફેનું ફૂડ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

એફડીએની તપાસમાં ચોંકાવનારી બાબતો બહાર આવી હતી, જેમાં ખાદ્ય સામગ્રી સંગ્રહવાના વિસ્તારની બાજુમાં જ યુરિનલ હોવાનું, રસોડામાં વંદા અને માખીઓનો ભારે ઉપદ્રવ હોવાનું, ફ્રિજમાં માંસ અને લોહીના અવશેષો તથા અસ્વચ્છ પાણીનો ઉપયોગ થતો હોવાનું જણાયું હતું. એટલું જ નહીં, ખાદ્ય સામગ્રી સીધી જમીન પર રાખવામાં આવતી હતી અને શાકાહારી તથા માંસાહારી કાચી સામગ્રીને યોગ્ય રીતે અલગ રાખવામાં આવતી ન હોવાનું પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત તપાસ દરમિયાન ખોરાક તૈયાર કરવા માટે ક્ષતિગ્રસ્ત લાકડાના કટિંગ બોર્ડ, કર્મચારીઓ દ્વારા યોગ્ય સુરક્ષા વસ્ત્રોનો અભાવ તથા વાસણ ધોવાની અત્યંત અસ્વચ્છ વ્યવસ્થા પણ જોવા મળી હતી. આશ્ચર્યજનક બાબત તો એ છે કે કેફેના કુલ ૩૫ પૈકી ૩૪ કર્મચારીઓએ ફરજિયાત ખાદ્ય સુરક્ષા તાલીમ લીધી ન હતી અને પાણીની તપાસના અહેવાલો તથા જરૂરી સ્વચ્છતા સંબંધિત રેકોર્ડ પણ ઉપલબ્ધ ન હોવાનું એફડીએ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

લાયસન્સ સસ્પેન્ડ થવાને કારણે આ કેફેને ખાદ્ય સામગ્રીની ખરીદી, તૈયારી, સંગ્રહ, વેચાણ અને વિતરણ સંબંધિત તમામ પ્રકારની વ્યવસાયિક કામગીરી તુરંત બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નિયમો મુજબ તમામ ખામીઓ દૂર કર્યા બાદ જ્યારે સંતોષકારક પુનઃતપાસ થશે, ત્યારે જ આગળની કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ઓલિમ્પિયા કોફી હાઉસ તાજેતરમાં જ હોલિવૂડ ફિલ્મ નિર્દેશક ક્રિસ્ટોફર નોલાન તેમજ જાણીતા અભિનેતાઓ ટોમ હોલેન્ડ અને મેટ ડેમનની મુલાકાતને કારણે પણ વિશ્વભરમાં ચર્ચામાં આવ્યું હતું, જ્યાં ગત જુલાઈ મહિનામાં આ દિગ્ગજ સિતારાઓ ચા, બન મસ્કા અને કેટલીક સ્થાનિક મીઠાઈઓનો સ્વાદ માણવા માટે રોકાયા હતા.

આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા

પ્રસિદ્ધ અને ઐતિહાસિક ખાણી-પીણીની સંસ્થાઓમાં પણ ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે ફૂડ સેફ્ટીના નિયમોનું કડક પાલન કરાવવું અને તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવી અનિવાર્ય છે.