Loading Please Wait !!!
એશિયન ગેમ્સનો રંગારંગ ઉદ્ઘાટન સાથે પ્રારંભ, ૪૫ દેશોના ૧૦,૮૪૦ ખેલાડીઓ લેશે ભાગ

 

  • હાંગઝોઉ ગેમ્સમાં ૧૦૬ મેડલ જીતીને ભારતે બનાવ્યો હતો ઐતિહાસિક રેકોર્ડ

  • શૂટિંગ ટીમમાં ૩૦ નિશાનેબાજો સામેલ, મનુ ભાકર કરશે દળની આગેવાની

  • નીરજ ચોપરાની ગેરહાજરીમાં શોટપુટર તેજિંદરપાલ સિંહ તૂર પર રહેશે સવિશેષ નજર

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

જાપાનમાં રંગારંગ ઉદ્ઘાટન સમારોહ સાથે એશિયન ગેમ્સના મહાકુંભનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે. આગામી ૧૬ દિવસ સુધી ચાલનારા આ ભવ્ય રમતોત્સવમાં વિશ્વના ૪૫ દેશોના ૧૦,૮૪૦ જેટલા ખેલાડીઓ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરશે, જેમાં ભારત તરફથી ૫૦૩ ખેલાડીઓ મેદાનમાં ઉતર્યા છે. ભારતીય ખેલાડીઓ માટે આ એશિયન ગેમ્સમાં મેડલની સદી ફટકારવી અને ટોપ-૫ મેડલ વિજેતા દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખવું એ એક મોટો પડકાર રહેશે. અગાઉ હાંગઝોઉમાં યોજાયેલી ગેમ્સમાં ભારતે ૧૦૬ મેડલ જીતીને અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જેને આ વખતે વધુ વટાવવાનો ઈરાદો છે.

આ રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં સ્ટાર શૂટર મનુ ભાકર અને એથ્લેટ તેજિંદરપાલ સિંહ તૂર ભારતની ધ્વજવાહક તરીકેની ભૂમિકામાં જોવા મળ્યા હતા. ભારતીય દળ માટે મેડલનો મુખ્ય આધાર ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સ, શૂટર્સ (નિશાનેબાજો), તીરંદાજો અને સ્ક્વોશ ખેલાડીઓ પર રહેલો છે. છેલ્લી વખત આ ચાર રમતોના દમ પર જ ભારતે પહેલીવાર સોનાનો આંકડો પાર કર્યો હતો. આ સાથે કબડ્ડી, હોકી અને ક્રિકેટ ટીમો પણ પોતાના ટાઇટલનું રક્ષણ કરીને ગોલ્ડ મેડલની સંખ્યામાં વધારો કરવા માટે પૂરી તાકાત લગાવશે. ગત વખતે શૂટિંગ, એથ્લેટિક્સ અને તીરંદાજી આ ત્રણ રમતોમાંથી જ કુલ મેડલના અડધાથી વધુ એટલે કે કુલ ૧૦૬ માંથી ૫૦ મેડલ આવ્યા હતા.

શૂટિંગ ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સુંદર મિશ્રણ જોવા મળી રહ્યું છે, જેની આગેવાની બે વારની ઓલિમ્પિક મેડલ વિજેતા પિસ્તોલ શૂટર મનુ ભાકર કરી રહી છે. આ ઉપરાંત યુવા રુદ્રાંક્ષ પાટિલ અને સૂરુચિ સિંહ પણ પોતાની પ્રથમ ગેમ્સને યાદગાર બનાવવા માટે ઉત્સુક છે. ભારતીય શૂટિંગ દળમાં કુલ ૩૦ નિશાનેબાજો સામેલ છે. બીજી તરફ, એથ્લેટિક્સમાં નીરજ ચોપરાની ગેરહાજરી વચ્ચે હવે યુવા ખેલાડીઓ અને શોટપુટર તેજિંદરપાલ સિંહ તૂર પર સૌની સવિશેષ નજર રહેશે. ધ્વજવાહક તૂર સતત ત્રણ ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય ખેલાડી બનવાની રેસમાં છે. આ ઉપરાંત લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકર, લાંબા અંતરની દોડમાં ગુલબીર સિંહ, ભાલા ફેંકમાં રોહિત યાદવ, ડેકાથલોનમાં તેજસ્વિન શંકર અને મહિલાઓની લોંગ જમ્પમાં એન્સી સોજન તેમજ હર્ડલ્સ દોડમાં જ્યોતિ યારાજી પર પણ દેશ માટે મેડલ લાવવાની મોટી જવાબદારી રહેશે.

રમતગમત અને રાષ્ટ્રીય ગૌરવ

આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી આવી સ્પર્ધાઓ દેશના યુવા ખેલાડીઓની પ્રતિભાને વૈશ્વિક મંચ પૂરો પાડે છે અને રાષ્ટ્રના ગૌરવમાં વધારો કરે છે.

>> ભાકર અને તૂર ઉદ્ઘાટન સમારોહના ધ્વજવાહક
બે વારની ઓલિમ્પિક મેડલ વિજેતા નિશાનેબાજ મનુભાકર અને શૉટપુટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તેજિંદરપાલ સિંહ તૂર ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજવાહક બનશે. જેમાં 158 સભ્યોનું ભારતીય દળ ભાગ લેશે. તૂરે કહ્યું, "મને ગર્વ છે કે હું આ દળના ધ્વજવાહકોમાંથી એક રહીશ. દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે કે તે દેશનો ધ્વજવાહક બને. આ સન્માન આપવા માટે હું IOA (ભારતીય ઓલિમ્પિક સંઘ)નો આભાર માનું છું."

>> આગામી દિશા નક્કી કરશે આ 20મી એશિયન ગેમ્સ
આ આયોજન 2036 ઓલિમ્પિકની યજમાની મેળવવા અને દેશને વિશ્વની ટોચની રમત ગમતની મહાસત્તાઓમાં સામેલ કરવાના લાંબા ગાળાના લક્ષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું પણ બનશે. ભારતનું લક્ષ્ય 2036 સુધીમાં ટોપ-10 અને 2047 સુધીમાં ટોપ-5માં સ્થાન મેળવવાનું છે.

આ દીર્ઘકાલીન લક્ષ્યો છે, પરંતુ મલ્ટિ-સ્પોર્ટ ઇવેન્ટ્સ પરથી એ વાતની ઝાંખી મળી જાય છે કે દેશ તે આકાંક્ષાને વાસ્તવિકતામાં બદલવા માટે કેટલી ઝડપથી આગળ વધી રહ્યો છે.

>> તૈયારીઓ પર 700 કરોડનો ખર્ચ
ભારતે આ ગેમ્સની તૈયારીઓ માટે ખેલાડીઓ પર 708 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જેમાં સૌથી વધુ 251.4 કરોડ રૂપિયા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાનો અનુભવ મેળવવા પર ખર્ચવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિક તાલીમ પર 118.3 કરોડ અને 39.8 કરોડ રૂપિયા વિદેશમાં તાલીમ પાછળ ખર્ચાયા છે.

>> ગત ગેમ્સ કરતાં 12 રમતો ઓછી
આ વખતે રમત ઉત્સવમાં કુલ 43 રમતો સામેલ છે, જે ચીનના હાંગઝોઉમાં યોજાયેલી ગત ગેમ્સ કરતાં 12 ઓછી છે.

>> છ નવી રમતોનો સમાવેશ
ફ્રીસ્ટાઇલ એમએક્સ (Freestyle MX), મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA), પેડલ (Padel), સર્ફિંગ, ટેકબોલ અને વર્ચ્યુઅલ તાઈકવાન્ડો પહેલીવાર આ રમતોનો હિસ્સો બન્યા છે.

>> પ્રથમ વખત હાંગઝોઉમાં 100થી વધુ મેડલ જીત્યા
ભારતે ત્રણ વર્ષ પહેલાં ચીનના હાંગઝોઉમાં યોજાયેલી ગેમ્સમાં પહેલીવાર મેડલની સદી ફટકારીને પોતાનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં રેકોર્ડ 28 ગોલ્ડ મેડલ જીત્યા હતા.

>> હાંગઝોઉમાં ભારતનું પ્રદર્શન
 * ગોલ્ડ (સુવર્ણ): 28
 * સિલ્વર (રજત): 38
 * બ્રોન્ઝ (કાંસ્ય): 40
 * કુલ મેડલ: 106 

>> હોકીમાં ઓલિમ્પિક ટિકિટ પર નજર
હોકી ટીમોની નજર ગોલ્ડ મેડલ સાથે લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોની ટિકિટ મેળવવા પર રહેશે. પુરુષ ટીમ વર્લ્ડ કપની નિરાશાને ભૂલીને સતત બીજો ગોલ્ડ જીતવા માંગશે, જ્યારે મહિલા ટીમ ગત વખતે જીતેલા પોતાના બ્રોન્ઝ મેડલનો રંગ વધુ બહેતર કરવાનો પ્રયાસ કરશે. સ્ક્વોશમાં યુવા અનાહત સિંહ મેડલ સાથે પોતાની પ્રથમ ગેમ્સને યાદગાર બનાવવાનો પ્રયાસ કરશે.

>> ચાનુને પ્રથમ મેડલની આશા
કરિયરમાં દરેક મેડલ જીતનારી વેટલિફ્ટર મીરાબાઈ ચાનુ એશિયન ગેમ્સમાં પોતાનો પ્રથમ મેડલ જીતવા માટે મેદાને ઉતરશે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાથી તેમનો ઉત્સાહ વધ્યો છે. એશિયન ગેમ્સના વેટલિફ્ટિંગમાં ભારત માટે એકમાત્ર મેડલ 1998ની બેંગકોક ગેમ્સમાં કર્ણમ મલ્લેશ્વરીએ જીત્યો હતો. ચાનુ દેશના 28 વર્ષના મેડલના ઈંતજારનો અંત લાવવા માંગશે.

>> પહેલવાનો અને બોક્સરો પણ પાછળ નથી
કુસ્તી અને બોક્સિંગમાં પણ મેડલની આશા છે. ગત વખતે આ બંને રમતોમાં કોઈ ગોલ્ડ મળ્યો ન હતો, પરંતુ આ વખતે ઊંચી આશા છે. બોક્સરોએ કોમનવેલ્થ ગેમ્સમાં સાત ગોલ્ડ જીતીને આશાઓને નવી ઉડાન આપી છે. સાક્ષી અને પ્રીતિની સાથે લવલીના, નરેન્દ્ર અને સચિન પ્રબળ દાવેદાર છે. જ્યારે કુસ્તીમાં અમન, સુજીત, અંતિમ અને મનીષા પર મુખ્ય આધાર રહેશે.

>> તીરંદાજો માટે મોટો પડકાર
ગત વખતે પાંચ ગોલ્ડ સહિત નવ મેડલ જીતનારા તીરંદાજો માટે આ વખતે પડકાર કઠિન રહેશે. ગત વખતના ઘણા મેડલ વિજેતાઓ આ વખતે ટીમમાં નથી; અદિતિ ગોસ્વામી, ઓજસ દેવતાલે અને અભિષેક વર્મા જેવા ખેલાડીઓ આ વખતે સામેલ નથી. આ વખતે જવાબદારી યુવા જ્યોતિ સુરેખા, અંકિતા ભગત, ધીરજ બોમ્મદેવરા અને કુશલ દલાલ પર રહેશે.

>> ચિરાગ-સાત્વિક ટાઇટલ જાળવી રાખવા ઉતરશે
બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગની જોડી પોતાનું ટાઇટલ બચાવવા માટે મેદાને ઉતરશે. આ જોડી હાલમાં શાનદાર ફોર્મમાં છે. સિંગલ્સમાં લક્ષ્ય અને આયુષ પણ મેડલ જીતવા માંગશે.

સિંધુ માટે આ છેલ્લી એશિયન ગેમ્સ હોઈ શકે છે, તેથી તે ગોલ્ડ જીતવામાં કોઈ કસર બાકી નહીં છોડે. વર્લ્ડ ચેમ્પિયનશિપની બ્રોન્ઝ વિજેતા ગાયત્રી અને ત્રીશા જોલીની જોડી પણ મેડલની દાવેદાર છે.

>> ઓવરઓલ રેન્કિંગમાં ભારત પાંચમા નંબરે
ભારત પોતાના સર્વકાલીન પ્રદર્શનના આધારે પાંચમા નંબરે છે. તેણે 75 વર્ષમાં અત્યાર સુધીમાં 183 ગોલ્ડ, 238 સિલ્વર અને 357 બ્રોન્ઝ સહિત કુલ 778 મેડલ જીત્યા છે. ચીન (કુલ 3570 મેડલ) પ્રથમ, જાપાન (3242 મેડલ) બીજા, દક્ષિણ કોરિયા (2425 મેડલ) ત્રીજા અને ઈરાન (611 મેડલ) ચોથા સ્થાને છે. કુલ મેડલોની સંખ્યામાં ઈરાન ભારત કરતાં પાછળ છે, પરંતુ 9 વધુ ગોલ્ડ મેડલ જીતવાને કારણે તે આગળ છે. ચીન અને જાપાને 1100 કરતાં વધુ ગોલ્ડ મેડલ જીત્યા છે.