Loading Please Wait !!!
ગુજરાતમાં નવરાત્રિ ૨૦૨૬ નો જામી રહ્યો છે માહોલ, જાણીતા કલાકારો ખેલૈયાઓને ડોલાવવા તૈયાર

 

  • કિંજલ દવે મુંબઈમાં અને એશ્વર્યા અમદાવાદમાં ખેલૈયાઓને કરાવશે મન મૂકીને ગરબે ઘુમવા માટે રાજી

  • હાર્દિક દવેએ જણાવ્યું કે દર વર્ષે ૬૦ થી ૭૦ ટકા નવા લોકગીતો કમ્પોઝ કરવામાં આવે છે

  • સુરતમાં યશ્વી નવરાત્રિ 3.0 અંતર્ગત પૂર્વા મંત્રી અને ફાલ્ગુની પાઠક આપશે શાનદાર પ્રસ્તુતિ

સિટી ન્યુઝ @ સુરત

ગુજરાતમાં નવરાત્રિ ૨૦૨૬ નો રંગતભર્યો માહોલ ધીમેધીમે જામી રહ્યો છે, અને આ વર્ષે અનેક જાણીતા સિંગર્સ પોતાના અંદાજથી ખેલૈયાઓને મન મૂકીને ડોલાવવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે અને ઈશાની દવે સહિતના અનેક નામાંકિત કલાકારો નવરાત્રિમાં રંગ જમાવવાના છે, જ્યારે કિંજલ દવે મુંબઈમાં અને એશ્વર્યા અમદાવાદમાં ખેલૈયાઓને ઘુમાવશે. આ વિશે વાત કરતા સિંગર હાર્દિક દવેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ૩-४ વર્ષથી ભાષા અને શબ્દકોશમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, જેમાં 'વેન્યૂ' શબ્દને બદલે 'ગરબી ચોક' શબ્દ વાપરવામાં આવે છે અને સશક્ત નવરાત્રિ દ્વારા તેના અસલ અર્થ સુધી પહોંચવાનો પ્રયાસ થાય છે.

હાર્દિક દવેએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે ૬૦ થી ૭૦ ટકા નવાં લોકગીતો કમ્પોઝ કરતા હોય છે અને આ વર્ષે સોલા ભાગવતની જગ્યા પર તેમની નવરાત્રિ યોજાઈ રહી છે, જ્યાં “સોળ સજીને માઁ...” જેવી ટ્રેન્ડિંગ રચનાઓની રમઝટ બોલાવવામાં આવશે. નવરાત્રિની તૈયારીઓ માટે તેમનું આખું વર્ષ આયોજન ચાલતું હોય છે અને નવેનવ દિવસ સુધી વિશેષ સેશન્સ કરવામાં આવે છે.

બીજી તરફ, સુરત શહેરમાં પણ નવરાત્રિનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિંગર અપેક્ષા પંડ્યા સુરતના મોટા વરાછા ખાતે આયોજિત 'સૂર તાલ ને સંગ રાસરંગ નવરાત્રિ ૨.૦' માં પ્રાચીન-અર્વાચીન ગરબા અને નવા દેશી લોકગીતોની રમઝટ બોલાવશે. વળી, જાણીતા સિંગર ફાલ્ગુની પાઠક આઠ વર્ષ બાદ સુરતમાં વાપસી કરી રહ્યા છે અને ૨૨ ઓક્ટોબરે 'યશ્વી નવરાત્રિ' માં ખેલૈયાઓને ડોલાવશે. તેમની સાથે પૂર્વા મંત્રી પણ યશ્વી નવરાત્રિ ૩.૦ માં પરફોર્મ કરવાના છે, જ્યાં પરંપરાગત રંગ અને ઢોલના તાલે અદભુત ધમાલ જોવા મળશે.

સંસ્કૃતિ અને ઉત્સવ

નવરાત્રિનો મહાપર્વ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક છે, જે સંગીત, ભક્તિ અને પરંપરાના સમન્વયથી જનમાનસમાં વિશેષ ઉત્સાહ ભરી દે છે.