Loading Please Wait !!!
૩ દાયકાની મંદી બાદ જાપાનનું મોટું આર્થિક પગલું: વ્યાજદરમાં વધારો કરીને ૧.૨૫% કર્યા

 

  • વર્ષ ૧૯૫૫ પછીનું સૌથી ઊંચું સ્તર: ૧% થી વધારીને વ્યાજદર ૧.૨૫% કરાયા

  • 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં કાર્ગો શિપમેન્ટ ખોરવાતા ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવ ભડકે બળ્યા

  • યુએસ ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બેંકની જેમ વૈશ્વિક મોરચે પણ વ્યાજદર વધારવાનો ટ્રેન્ડ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

દાયકાઓ સુધી મંદી અને ભાવ ઘટાડા (ડિફ્લેશન) સામે ઝઝૂમતા જાપાનના અર્થતંત્રમાં એક મોટો અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. બેંક ઓફ જાપાને વૈશ્વિક તણાવ અને ઊર્જા કટોકટી વચ્ચે પોતાના મુખ્ય ધિરાણ વ્યાજદરમાં વધારો કરીને તેને ૧% થી વધારીને ૧.૨૫% કરી દીધા છે. આ વ્યાજદર વર્ષ ૧૯૯૫ પછીનું સૌથી ઊંચું સ્તર છે. છેલ્લા અઢી વર્ષમાં આ છઠ્ઠી વખતનો વધારો છે, જેણે જાપાનને દાયકાઓ જૂની અત્યંત સસ્તા વ્યાજદર (ઝીરો અથવા નેગેટિવ રેટ) ની નીતિમાંથી સંપૂર્ણપણે બહાર લાવી દીધું છે. યેન ચલણને મજબૂત કરવા, ફુગાવાને નિયંત્રિત કરવા અને વૈશ્વિક બજારની વાસ્તવિકતાઓ સાથે તાલ મિલાવવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

આર્થિક મોરચે જાપાન હાલ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેમાં ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ કટોકટીના કારણે ઊર્જાના આસમાને પહોંચેલા ભાવ મુખ્ય છે. મિડલ ઈસ્ટ પરની ઊર્જા નિર્ભરતા અને સપ્લાય ચેઈન ખોરવાવાના કારણે જાપાનની મુશ્કેલીઓ વધી છે. ઓગસ્ટ મહિનામાં જાપાની યેન ગગડીને ૪૦ વર્ષના તળિયે પહોંચી જતાં ટોક્યો અને વોશિંગ્ટને સંયુક્ત રીતે ફોરેક્સ માર્કેટમાં હસ્તક્ષેપ કર્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વ અને યુરોપિયન સેન્ટ્રલ બેંકની જેમ વૈશ્વિક સ્તરે વ્યાજદર વધારવાના ચાલી રહેલા ટ્રેન્ડ વચ્ચે, જાપાનના આ પગલાંથી સ્થાનિક બિઝનેસ અને વૈશ્વિક રોકાણો પર કેવી અસરો પડશે તે આગામી સમય જ નક્કી કરશે.

વૈશ્વિક અર્થતંત્ર અને નાણાકીય નીતિઓ

વિશ્વના મોટા અર્થતંત્રોમાં બદલાતી નાણાકીય નીતિઓ અને વ્યાજદરના દરો વૈશ્વિક વેપાર, કરન્સી માર્કેટ અને રોકાણકારોની રણનીતિઓ પર સીધી અને ઊંડી અસર છોડે છે.