Loading Please Wait !!!
આઈઆઈટી બોમ્બેના બી.ટેકના બીજા વર્ષના છાત્ર દ્વારા આત્મહત્યા, કેમ્પસમાં મચી ગયો ખળભળાટ

 

  • વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને કેમ્પસમાં પોલીસ બંદૂકધારીઓ સાથે મોટી સંખ્યામાં તૈનાત

  • આઈઆઈટી બોમ્બે પ્રશાસને નિવેદન જાહેર કરી છાત્રના મૃત્યુ પર વ્યક્ત કર્યું ઊંડું દુઃખ

  • સંબંધીત અધિકારીઓ દ્વારા છાત્રના મોતના કારણ અંગે સઘન તપાસ શરૂ કરવામાં આવી

સિટી ન્યુઝ @ મુંબઈ

મુંબઈની પ્રતિષ્ઠિત ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી બોમ્બે (IIT Bombay) માં બી.ટેકના બીજા વર્ષના એક છાત્ર દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવતા સમગ્ર કેમ્પસમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ દુઃખદ મામલા બાદ છાત્રોએ સંસ્થાન પ્રશાસન સામે જવાબદારી અને પારદર્શિતાની માંગણી સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ કરી દીધા છે. પ્રાથમિક વિગતો મુજબ, આત્મહત્યા કરનાર છાત્ર સેમેસ્ટર પરીક્ષા દરમિયાન ચેટ જીપીટી (ChatGPT) નો ઉપયોગ કરતા પકડાઈ ગયો હતો અને એ જ સાંજે તે પોતાની હોસ્ટેલના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આઈઆઈટી પવઈ કેમ્પસમાં છેલ્લા ૬ મહિનાના ટૂંકા ગાળામાં આત્મહત્યાનો આ ત્રીજો બનાવ બન્યો છે. આ ઘટના બાદ આઈઆઈટી બોમ્બે પ્રશાસને સત્તાવાર નિવેદન જાહેર કરીને છાત્રના અસમય અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. સંબંધીત અધિકારીઓ અને પોલીસ છાત્રના મોતના સાચા કારણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે તે છાત્ર સામે કોઈ પણ પ્રકારની સત્તાવાર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી નહોતી. જો કે, છાત્રના આપઘાતથી રોષે ભરાયેલા અનેક છાત્રોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શનો કર્યા હતા અને પ્રશાસન સામે વહીવટી જવાબદારીની માંગ કરી હતી.

આંદોલનકારી છાત્રોનું એવું પણ કહેવું છે કે આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ આ અગાઉ પણ કેમ્પસમાં આવી અંદાજે બાર જેટલી ગંભીર ઘટનાઓ બની ચૂકી છે. વિદ્યાર્થીઓમાં ફેલાયેલા આ રોષ અને તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ કેમ્પસની અંદર અને આસપાસ પોલીસ દ્વારા મોટી સંખ્યામાં કાફલો તૈનાત કરવામાં આવ્યો છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.

શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય

દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર વધતું માનસિક દબાણ અને શૈક્ષણિક તણાવને દૂર કરવા માટે સંસ્થાઓ અને પરિવાર દ્વારા યોગ્ય કાઉન્સિલિંગ તથા સકારાત્મક વાતાવરણ પૂરું પાડવું અત્યંત અનિવાર્ય છે.