ગુજરાતની ૭ ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ, BAMS ની ૬૨૦ બેઠકો પર ગ્રહણ
-
જૂનાગઢની નોબલ અને વડોદરાની સુમનદીપ સહિતની સાત કોલેજો સામે લેવાયા પગલાં
-
એનસીઆઈએસએમ એક્ટ ૨૦૨૦ની કલમ ૨૮ અને ૨૯ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી
-
ક્વાલિફાઇડ પ્રોફેસરો અને હોસ્પિટલની સુવિધા ન હોવાનું નિરીક્ષણમાં આવ્યું સામે
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતમાં તબીબી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ચાલી રહેલી ગંભીર બેદરકારી અને કૌભાંડોનો વધુ એક મોટો પર્દાફાશ થયો છે. નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મૅડિસિન (NCISM) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માટે હાથ ધરવામાં આવેલા કડક ચેકિંગ બાદ નિયમોનું પાલન ન કરતી અને પૂરતી સુવિધાઓનો અભાવ ધરાવતી જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત ગુજરાતની કુલ ૭ ખાનગી આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ કડક નિર્ણયના કારણે હવે પછીના શૈક્ષણિક વર્ષથી આ સાતેય કોલેજોમાં BAMS (આયુર્વેદાચાર્ય) કોર્સ માટેના નવા એડમિશન સંપૂર્ણપણે બંધ થઈ જશે.
એનસીઆઈએસએમ એક્ટ ૨૦૨૦ ની કલમ ૨૮ અને ૨૯ હેઠળ લેવાયેલા આ કડક પગલાંને કારણે રાજ્યમાં બીએએમએસની કુલ ૬૨૦ જેટલી બેઠકો ઘટી ગઈ છે, જેનાથી આયુર્વેદમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે. તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે લાખો રૂપિયાની ફી ઉઘરાવતી આ ખાનગી કોલેજો પાસે પૂરતા ક્વોલિફાઇડ પ્રોફેસરો, પૂરતી દર્દીઓ ધરાવતી હોસ્પિટલો કે સાધનો પણ ઉપલબ્ધ નહોતા. દર વર્ષે એડમિશન સમયે જ આવી કોલેજો સામે પગલાં લેવાાથી નીટ પાસ કરીને આવતા હોશિયાર વિદ્યાર્થીઓ રઝળી પડે છે. આ મુદ્દે વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓએ આક્રોશ વ્યક્ત કરી માંગ કરી છે કે શિક્ષણના નામે માત્ર કાગળ પર દુકાનો ચલાવતા આવા સંચાલકો સામે કડક ગુનાહિત કાર્યવાહી પણ થવી જોઈએ.
માન્યતા રદ થયેલ ગુજરાતની ૭ આયુર્વેદિક કોલેજોની યાદી:
-
જૂનાગઢ: નોબલ આયુર્વેદ કોલેજ-રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (૧૦૦ બેઠક)
-
વડોદરા: સુમનદીપ આયુર્વેદ મેડિકલ કોલેજ-હોસ્પિટલ (૧૦૦ બેઠક)
-
મહેસાણા: સરદાર આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ (૧૦૦ બેઠક)
-
ખેડા: ડાલિયા આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ (૧૦૦ બેઠક)
-
લીંબડી: લીંબડી આયુર્વેદિક મેડિકલ કોલેજ (૧૦૦ બેઠક)
-
ગોધરા: જય જલારામ આયુર્વેદિક કોલેજ (૬૦ બેઠક)
-
અમરેલી: શ્રીધર અતુલકુમાર જાની આયુ.મેડી.કોલેજ (૬૦ બેઠક)
શિક્ષણ અને આરોગ્ય પ્રશાસન
તબીબી શિક્ષણ જેવી પવિત્ર શાખામાં ગુણવત્તા અને ધોરણોનું પાલન અનિવાર્ય છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી સંસ્થાઓ સામે પારદર્શક તથા કડક નિયંત્રણો હોવા અત્યંત આવશ્યક છે.