તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ ઘી ભેળસેળ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ
-
TTD ના પવિત્ર પ્રસાદ અને ઘીમાં કથિત ભેળસેળ પ્રકરણમાં ઈડીની મોટી કાર્યવાહી
-
કૈલાશ ચંદ મંગલા સામે પીમેલા (PMLA) ૨૦૦૨ ની કલમ ૧૯ હેઠળ કરાઈ કાનૂની કાર્યવાહી
-
સપ્લાય પાછળ સંકળાયેલા સમગ્ર નેટવર્ક અને નાણાકીય વ્યવહારોની તપાસ ચાલુ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) ને સપ્લાય કરવામાં આવેલા ઘીમાં કથિત ભેળસેળના ચકચારી તપાસ પ્રકરણમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેના પગલે આ સપ્લાય પાછળના સમગ્ર નેટવર્કની તપાસ વધુ તીવ્ર બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કૈલાશ ચંદ મંગલાની ઈડીના હૈદરાબાદ ઝોનલ કાર્યાલય દ્વારા ગત ૧૭ સપ્ટેમ્બરે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA), ૨૦૦૨ ની કલમ ૧૯ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડની આ કાર્યવાહી બાદ આરોપીને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ સ્થિત વિશેષ અદાલત (PMLA) સમક્ષ સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે. આ પ્રકરણમાં કેન્દ્રીય એજન્સી દ્વારા ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો, ભેળસેળયુક્ત પદાર્થોનો પુરવઠો પૂરો પાડનાર મુખ્ય સૂત્રધારા અને આડા સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી આ મા્ર્ગ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓ પણ કાયદાના શિંકજામાં આવી શકે.
કાયદો અને તપાસ
ધાર્મિક સંસ્થાઓ અને પવિત્ર પ્રસાદ સાથે જોડાયેલા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જેવા ગંભીર અપરાધોમાં નાણાકીય ગેરરીતિઓની તપાસ માટે કડક કાયદાકીય પગલાં લેવા અત્યંત અનિવાર્ય છે.
FIR થી શરૂ થઈ તપાસ
આ મની લોન્ડરિંગ તપાસ તિરુપતિ પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પ્રથમ માહિતી અહેવાલ (FIR) પર આધારિત છે. આ FIR TTD ને ભેળસેળવાળા ઘીની ખરીદી અને સપ્લાય સંબંધે ગુનાહિત કાવતં, છેતરપિંડી, બનાવટ (ફોર્જરી) અને ભ્રષ્ટાચારના આરોપો સાથે સંકળાયેલી છે.
ગાયના ઘીના નામે વનસ્પતિ તેલ અને રસાયણો
અહેવાલ અનુસાર, કથિત ભેળસેળવાળું ઘી અસલ ગાયના ઘીના સ્થાને વનસ્પતિ તેલ અને રાસાયણિક પદાર્થોના મિશ્રણથી તૈયાર કરવામાં આવતું હતું. ANI ના હવાલે ED એ કહ્યું, "ભેળસેળવાળું ઘી કથિત રીતે રિફાઇન્ડ પામ ઓઈલ, પામ કર્નલ ઓઈલ, પામોલિન તથા MG-90, મોનોગ્લિસરાઇડ્સ, માયવાસેટ સોફ્ટ 400 અને એસિટિક એસિડ એસ્ટર સહિતના વિવિધ રસાયણોના ઉપયોગથી બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને TTD માટે 'એગમાર્ક સ્પેશિયલ ગ્રેડ કાઉ ઘી' તરીકે સપ્લાય કરવામાં આવ્યું હતું.”
સુકૃતિ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર મંગલાને એજન્સીએ વ્યાપક કાવતરામાં કથિત સહભાગી ગણાવ્યો છે. ED એ કહ્યું કે તેણે "ભેળસેળના પદાર્થોની ખરીદી કરાવી અને પોતાના ફેક્ટરી પરિસરમાં ભેળસેળવાળું ઘી બનાવ્યું.”
ફ્રન્ટ કંપનીઓનું નેટવર્ક
તપાસમાં એવા નેટવર્ક તરફ પણ સંકેત મળે છે જેમાં અનેક સંસ્થાઓ મારફતે ભેળસેળવાળું ઘી સપ્લાય કરવામાં આવ્યું. એજન્સીનો આરોપ છે કે મંગલાએ આ વ્યવહારોના સંકલનમાં ભૂમિકા નિભાવી હતી.
ED અનુસાર, "મંગલાએ શ્રી વૈષ્ણવી ડેરી સ્પેશિયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ, માલગંગા મિલ્ક એન્ડ એગ્રો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એ.આર. ડેરી ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ સહિતની વિવિધ ફ્રન્ટ કંપનીઓ મારફતે ભેળસેળવાળા ઘીની સપ્લાયનું સંકલન પણ કર્યું હતું.
તેણે ઘી અને રિફાઇન્ડ પામ ઓઈલની ખરીદી-વેચાણ સંબંધિત ખોટા રેકોર્ડ પણ તૈયાર કરી જાળવ્યા હતા, જેનો ઉદ્દેશ ભેળસેળના પદાર્થોના વાસ્તવિક ઉપયોગને છુપાવવાનો અને અસલ ગાયના ઘીના કાયદેસર ઉત્પાદન તથા સપ્લાયનો દેખાવ ઊભો કરવાનો હતો.”
આ પહેલાં વિપિન જૈનની ધરપકડ
મંગલાની ધરપકડ પહેલાં ED એ આ જ તપાસ સંબંધે ભોલે બાબા ઓર્ગેનિક ડેરી મિલ્ક પ્રાઇવેટ લિમિટેડના પ્રમોટર અને ડિરેક્ટર વિપિન જૈનની અટકાયત કરી હતી. તપાસકર્તાઓનો આરોપ છે કે જૈન TTD ને ભેળસેળવાળા ઘીના ઉત્પાદન અને સપ્લાયની આ વ્યાપક કાર્યવાહીના મુખ્ય સૂત્રધાર હતા.
તાજેતરની આ ધરપકડ દર્શાવે છે કે એજન્સીની તપાસ ફક્ત ભેળસેળવાળા ઘીના કથિત સપ્લાય સુધી મર્યાદિત નથી, પરંતુ તે ઘટકોની ખરીદી, ઉત્પાદન પ્રક્રિયા, મધ્યસ્થ સંસ્થાઓનો ઉપયોગ અને વ્યવહારો છુપાવવાના ઉદ્દેશથી રાખવામાં આવેલા રેકોર્ડની પણ તપાસ કરી રહી છે.
રૂ. 230 કરોડની કથિત ગેરરીતિ
ED અનુસાર, કથિત ગેરરીતિઓ વર્ષ 2019 થી 2024 દરમિયાન TTD ને સપ્લાય કરાયેલા ઘી સાથે સંબંધિત છે. એજન્સીએ આ સમયગાળા દરમિયાનની કથિત છેતરપિંડીયુક્ત સપ્લાયનું કુલ મૂલ્ય રૂ. 230 કરોડ આંક્યું છે.
તપાસમાં આ ભેળસેળવાળા ઉત્પાદનના મોટા ભાગના નિર્માણમાં મંગલાની કથિત ભૂમિકા પણ સામે આવી છે. એજન્સીએ કહ્યું, "2019-2024 દરમિયાન TTD ને કરાયેલી કથિત છેતરપિંડીયુક્ત ઘી સપ્લાયનું મૂલ્ય રૂ. 230 કરોડ હતું, જેમાંથી રૂ. 96 કરોડનું ભેળસેળવાળું ઘી કૈલાશ ચંદ મંગલા દ્વારા બનાવવામાં આવ્યું હતું.”