વડોદરાના ગણેશ પંડાલમાં તૈયાર કરાઈ ૮૦ ફૂટ લાંબી ડરામણી હોરર ગુફા
-
આજવા રોડ પર આવેલા ગણેશ પંડાલમાં અનોખી થીમ જોઈને છૂટી જાય છે પરસેવો
-
મોટર્સ અને અદભુત વોઈસ ઈફેક્ટ્સના ઉપયોગથી તૈયાર કરાયા છે જીવંત સેટઅપ
-
અંધશ્રદ્ધા દૂર કરવા અને બાળકોમાં સાચી સમજ લાવવા પાછળનો મુખ્ય હેતુ
સિટી ન્યુઝ @ વડોદરા
દેશભરમાં હાલ ગણેશ મહોત્સવની ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે અને ભક્તો દ્વારા અલગ-અલગ આકર્ષક થીમ પર ગણેશ પંડાલ બનાવવામાં આવ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં તૈયાર કરાયેલી ૮૦ ફૂટ લાંબી હોરર ગુફા ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. આજવા રોડ પર આવેલા એક ગણેશ પંડાલમાં બાપ્પાના દર્શન કરવા માટે આવતા ભક્તોએ પહેલાં આ ભયાનક ગુફામાંથી પસાર થવું પડે છે, જ્યાં ડગલેને પગલે ભૂતો અને ડરામણાં દૃશ્યો જોવા મળે છે. એટલું જ નહીં, મુલાકાતીઓને ગુફા પાર કર્યા બાદ ૫ મિનિટનો વિશેષ હોરર શો પણ બતાવવામાં આવે છે.
આ અદભુત ગુફા વિશે માહિતી આપતા શ્રીજી યુવક મંડળના સભ્ય દીપ પુરાણીએ જણાવ્યું હતું કે તેમના મંડળની સ્થાપના વર્ષ ૨૦૦૯માં થઈ હતી અને તેઓ દર વર્ષે અલગ-અલગ થીમ પર કામ કરે છે. આ વખતે તેમણે આજવા રોડ પર ગુજરાતની એક વિશિષ્ટ અને ૮૦ ફૂટ લાંબી વિશાળ હોરર ગુફા બનાવી છે, જેમાં ૧૦ થી ૧૫ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જનરેટેડ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે. આ ગુફામાં અત્યાધુનિક ટેકનોલોજી, મોટર્સ અને વિવિધ વોઈસ ઈફેક્ટ્સનો ઉપયોગ કરીને ભૂત ઊભું થતું હોય, આંતરડા બહાર દેખાતા હોય કે બોડી સળગતી હોય તેવો જીવંત અને ડરામણો અનુભવ ઊભો કરાયો છે.
આ આયોજન પાછળનો હેતુ સ્પષ્ટ કરતા તેમણે ઉમેર્યું હતું કે ગુફામાંથી પસાર થયા પછી બતાવાતા આ હોરર શો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોમાં રહેલી ભૂત-પ્રેતની ધાક કે અંધશ્રદ્ધા દૂર કરવાનો છે, જેથી તેઓ સમજે કે આ બધું માત્ર બનાવટી છે અને આપણા બાપ્પા જ સાચા છે. મંડળના કાર્યકર્તાઓએ છેલ્લા ૫ મહિનાથી આ પ્રોજેક્ટ પર કામ કર્યું છે, જેમાં છેલ્લા બે મહિનાથી તો કાર્યકર્તાઓ ઘરે માત્ર ૨ થી ૩ કલાક જ આરામ કરતા હતા. હાલમાં અહીં દરરોજ ૫ થી ૭ હજાર ભાવિક ભક્તો દર્શન માટે આવે છે અને લોકોને ખૂબ જ સુંદર રિવ્યૂ મળી રહ્યા છે. મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધા માટે પંડાલમાં ફાયર સેફ્ટી, સીસીટીવી કેમેરા તેમજ ડોક્ટરની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
ધાર્મિક ઉત્સવ અને કલા
ગણેશ મહોત્સવ જેવા પવિત્ર તહેવારોમાં આધુનિક ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કલાત્મક ઉપયોગ કરીને સામાજિક જાગૃતિ અને મનોરંજનનું અદ્ભુત સમન્વય સાધી શકાય છે.