ભારતીય સ્ટીલનો વિશ્વમાં ડંકો: નાણાં વર્ષ 2025-26 માં ભારત બન્યું ‘નેટ નિકાસકાર’, નિકાસમાં 35.90% નો ધરખમ ઉછાળો
-
66 લાખ ટન ફિનિશ્ડ સ્ટીલ સાથે ગ્લોબલ માર્કેટ સર કર્યું- ચીન અને રશિયાના દબદબા વચ્ચે ભારતે બતાવી તાકાત
-
16.92 કરોડ ટન ક્રુડ સ્ટીલના ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં બીજા સ્થાને- સ્પેન, ઈટાલી અને બેલ્જિયમ બન્યા ભારતીય સ્ટીલના કાયમી ગ્રાહક
-
સ્ટીલ મંત્રાલયના ડેટામાં ખુલાસો: ઘરઆંગણે વપરાશ 8% વધ્યો- વિયેતનામ અને યુએઈમાં ભારતીય સ્ટીલની બોલબાલા
ભારત સરકારે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગને બચાવવા માટે લીધેલા કડક નિર્ણયોના પરિણામો હવે આંકડાકીય રીતે સામે આવ્યા છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારત ફિનિશ્ડ સ્ટીલનું નેટ નિકાસકાર (Net Exporter) બની રહ્યું છે. વિશ્વમાં ક્રુડ સ્ટીલના બીજા સૌથી મોટા ઉત્પાદક દેશ તરીકે ભારતે આ વર્ષ દરમિયાન ૬૬ લાખ ટન ફિનિશ્ડ સ્ટીલની નિકાસ કરી છે, જે અગાઉના વર્ષની સરખામણીએ ૩૫.૯૦ ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. સ્પેન, યુએઈ, ઈટાલી, બેલ્જિયમ અને વિયેતનામ જેવા દેશો ભારતીય સ્ટીલના સૌથી મોટા ખરીદદારો તરીકે ઉભરી આવ્યા છે.
સ્ટીલ મંત્રાલયના તાજેતરના ડેટા મુજબ, ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં ૩૧.૭૦ ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે અને તે ૬૫ લાખ ટન પર સીમિત રહી છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ સરકાર દ્વારા ચીન, નેપાળ અને વિયેતનામથી થતા સસ્તા સ્ટીલના ‘ડમ્પિંગ’ ને રોકવા માટે લેવાયેલા પગલાં છે. વર્ષ ૨૦૨૫ ના અંતે સરકારે કેટલીક સ્ટીલ પ્રોડક્ટ્સ પર ત્રણ વર્ષ માટે ૧૨ ટકા સુધીની ટેરિફ ડ્યૂટી લાગુ કરી હતી. આ રક્ષણાત્મક ડ્યૂટીને કારણે ઘરઆંગણેના સ્ટીલ ઉત્પાદકોને મોટી રાહત મળી છે અને તેઓ વૈશ્વિક હરીફાઈમાં ટકી શક્યા છે.
ઔદ્યોગિક પ્રગતિની ગતિ દર્શાવતા ડેટા મુજબ, દેશમાં ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ ૮ ટકા વધીને ૧૬.૪૨ કરોડ ટન રહ્યો છે. આ દરમિયાન ભારતનું ક્રુડ સ્ટીલ ઉત્પાદન પણ ૧૧.૨૦ ટકાના વધારા સાથે ૧૬.૯૨ કરોડ ટનના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાએ વિવિધ દેશો પર લાગુ કરેલા ટેરિફને કારણે ભારતીય બજારમાં આયાત વધવાની જે ભીતિ હતી, તેને સરકારે સમયસૂચકતા વાપરીને ટેરિફ વોર દ્વારા ખાળી દીધી છે.
નિષ્ણાતોના મતે, ભારતે જે રીતે નિકાસ અને આયાત વચ્ચે સંતુલન જાળવીને ‘નેટ એક્સપોર્ટર’ નો દરજ્જો મેળવ્યો છે, તે આવનારા વર્ષોમાં અર્થતંત્ર માટે અત્યંત આશાસ્પદ છે. ચીન, જાપાન, રશિયા અને દક્ષિણ કોરિયા હજુ પણ ભારતમાં સ્ટીલના મોટા નિકાસકારો છે, પરંતુ ભારતની પોતાની ઉત્પાદન ક્ષમતા વધવાને કારણે હવે આયાત પરની નિર્ભરતા સતત ઘટી રહી છે. આ પરિવર્તનથી માત્ર સ્ટીલ ઉદ્યોગ જ નહીં, પણ સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોબાઈલ સેક્ટરને પણ લાંબાગાળાનો ફાયદો થશે.
આગામી સમયમાં ભારત સરકાર સ્ટીલના ઉત્પાદનમાં ‘ગ્રીન એનર્જી’ નો ઉપયોગ વધારવા અને ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપી રહી છે, જેથી ભારતીય સ્ટીલ આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સ્પર્ધાત્મક બની શકે. નાણાં વર્ષ ૨૦૨૫-૨૬ ના આ પરિણામોએ સાબિત કર્યું છે કે વ્યૂહાત્મક સરકારી હસ્તક્ષેપ અને મજબૂત સ્થાનિક ઉત્પાદન ક્ષમતા દ્વારા ભારત વૈશ્વિક સ્તરે સ્ટીલ પાવરહાઉસ બની શકે છે.