Loading Please Wait !!!
અમેરિકામાં હવે સરકારી શટડાઉન દરમિયાન સેનેટરોના વેતન પર વાગશે કાતર

  • સેનેટમાં 99-0થી ‘વિથહોલ્ડ પે’ ઠરાવ પસાર; નવેમ્બર 2026ની ચૂંટણી બાદ અમલ થશે
  • રિપબ્લિકન સેનેટર જોન કેનેડીના પ્રસ્તાવને મળ્યું પ્રચંડ સમર્થન; વિસંગતિ દૂર કરવા કવાયત
  • ભારતથી વિપરીત સ્થિતિ; અમેરિકાના શાસક અને વિપક્ષના નેતાઓ પગાર અટકાવવા થયા સહમત

સિટી ન્યુઝ @ વોશિંગ્ટન

અમેરિકાના રાજકીય ઇતિહાસમાં એક અત્યંત મહત્વનો અને અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. ભવિષ્યમાં જ્યારે પણ અમેરિકામાં ફેડરલ ગવર્નમેન્ટનું શટડાઉન થશે, ત્યારે સેનેટરોને મળતા વેતન અને ભથ્થાં તેટલા સમયગાળા માટે અટકાવી દેવામાં આવશે. આ અંગેનો 'વિથહોલ્ડ પે' (Withhold Pay) ઠરાવ અમેરિકન સેનેટમાં 99-0 ના જંગી બહુમતીથી પસાર કરવામાં આવ્યો છે. લુઇસિયાનાના રિપબ્લિકન સેનેટર જોન કેનેડી દ્વારા રજૂ કરાયેલા આ ઠરાવને પક્ષ-વિપક્ષના તમામ સભ્યોએ એકીઅવાજે સમર્થન આપ્યું છે.

નોંધનીય છે કે, અગાઉના સરકારી શટડાઉનો દરમિયાન જ્યારે લાખો ફેડરલ કર્મચારીઓના પગાર અટકી જતા હતા અને સામાન્ય લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા હતા, ત્યારે પણ કોંગ્રેસના સભ્યોને વેતન અને ભથ્થાંની ચૂકવણી ચાલુ રહેતી હતી. આ વિસંગતિને કારણે સમગ્ર અમેરિકામાં ભારે જનઆક્રોશ જોવા મળ્યો હતો. લોકોમાં એવી માનસિકતા મજબૂત બની રહી હતી કે નેતાઓ 'કિંગ' છે અને જનતા 'ગુલામ'. આ જનદબાણને વશ થઈને સેનેટ દ્વારા આ ક્રાંતિકારી ફેરફાર સ્વીકારવામાં આવ્યો છે.

આ ઠરાવ મુજબ, હવે શટડાઉન દરમિયાન સેનેટરોને મળતી આર્થિક સવલતો અટકી જશે અને આ નાણાં ત્યારે જ જારી કરવામાં આવશે જ્યારે શટડાઉન પૂર્ણ થશે અને સરકારી કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. ઠરાવ રજૂ કરનાર સેનેટર કેનેડીએ જણાવ્યું હતું કે, આ નિયમ બીજું કંઈ નહીં પણ તમામ નાગરિકો માટે એક સમાન કાયદો લાગુ પાડવાની નૈતિકતા છે. ગયા વર્ષે થયેલા 43 દિવસના શટડાઉનમાં 6.70 લાખ કામદારો ફર્લો પર હતા અને 60 હજાર લોકોએ નોકરી ગુમાવી હતી, તેમ છતાં નેતાઓના પગાર ચાલુ હતા, જે સ્થિતિ હવે બદલાશે.

આ ઠરાવ હવે કાયદો બનવાની અંતિમ પ્રક્રિયા તરફ આગળ વધી રહ્યો છે અને તેનો અમલ નવેમ્બર 2026ની ચૂંટણી બાદ શરૂ થવાની સંભાવના છે. અત્યારે નીચલા ગૃહમાં આ ઠરાવ ક્યારે પસાર થશે તેની તારીખ નક્કી થઈ નથી, પરંતુ સેનેટમાં મળેલા 99-0 ના સમર્થનને જોતા આ બિલ કાયદો બનશે તે નિશ્ચિત માનવામાં આવે છે. આ પગલાથી અમેરિકન પ્રજામાં લોકશાહીના મૂલ્યો પ્રત્યેનો વિશ્વાસ પુનઃ સ્થાપિત થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

રસપ્રદ વાત એ છે કે, આ મુદ્દે અમેરિકામાં ભારત કરતા તદ્દન વિપરીત સ્થિતિ જોવા મળી છે. ભારતીય સંસદમાં શાસક અને વિપક્ષ અનેક પ્રજાકીય પ્રશ્નો પર બાખડતા હોય છે, પરંતુ જ્યારે સાંસદોના વેતન અને ભથ્થાંમાં વધારાની વાત આવે ત્યારે તેઓ એકમત થઈ જતા હોય છે. જ્યારે અમેરિકામાં નેતાઓએ સ્વેચ્છાએ પોતાના પગાર અટકાવવા માટે મતદાન કર્યું છે. જોકે, આ નાણાં ફક્ત અટકાવવામાં આવ્યા છે, એટલે કે શટડાઉન ખુલ્યા બાદ અન્ય કર્મચારીઓની જેમ જ સેનેટરોને પણ તેમના પાછલા નાણાં મળી જશે.