Loading Please Wait !!!
હોર્મુઝમાં ગુજરાતનું જહાજ ‘હાજી અલી’ ડૂબ્યું; ડ્રોન હુમલાની શંકા

=> દરિયામાં વિનાશ : 14 ખલાસીને બચાવાયા


સિટી ન્યૂઝ@મસ્કત  

આંતરરાષ્ટ્રીય જળસીમામાં વધી રહેલા તણાવની સીધી અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ઓમાનના દરિયાઈ ક્ષેત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું વધુ એક માલવાહક જહાજ ‘હાજી અલી’ દુર્ઘટનાનો શિકાર બની દરિયામાં ગરકાવ થઈ ગયું છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ જેવી સ્થિતિનો ભોગ બન્યું હોવાનું મનાઈ રહ્યું છે.

ઘટનાની વિગતો મુજબ, MSV HAJI ALI બરબરા બંદરથી શારજાહ લાઈવ સ્ટોક ભરીને ૧૩ મેના રોજ વહેલી સવારે અંદાજે ૩:૩૦ વાગ્યે જ્યારે ઓમાનના લિમાહ નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક કોઈ અજાણ્યો વિસ્ફોટક પદાર્થ સંભવત ડ્રોન અથવા મિસાઈલ જહાજ સાથે અથડાયું હતું. આ અથડામણને કારણે જહાજ પર વિકરાળ આગ ફાટી નીકળી હતી અને જોતજોતામાં જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું.

જહાજ ડૂબવા લાગતા તેના પર સવાર ૧ ટંડેલ અને ૧૩ ખલાસીઓ સહિત કુલ ૧૪ સભ્યોએ સમયસૂચકતા વાપરી હતી. તેમણે તાત્કાલિક લાઈફબોટનો સહારો લઈને પોતાનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ ઓમાન કોસ્ટગાર્ડે ત્વરિત કાર્યવાહી કરી તમામ ખલાસીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી ડીબા બંદર પર પહોંચાડ્યા હતા.

સલાયામાં ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી આદમ ભાથાએ ઘટના અંગે કહ્યું કે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. તમામ ૧૪ ખલાસીઓ સુરક્ષિત છે અને તેમના દસ્તાવેજો પણ સલામત છે. તેમને પરત લાવવા માટે ભારત સરકારને વિનંતી કરવામાં આવી છે.