સાહિત્યસેતુ દ્વારા કવિ રમેશ પારેખની પુણ્યતિથિ નિમિત્તે શબ્દાંજલી સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાશે
સિટી ન્યૂઝ@રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ઢોલરા પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા અમરેલીના વતની અને નિવૃતિ બાદ રાજકોટ સ્થાયી થયેલ ગુજરાતી સાહિત્યના આધુનિક યુગના મોટા ગજાના સર્જક, સાહિત્યપ્રેમીઓના લાડીલા અને માનીતા, ગુજરાતી સાહિત્ય જગતમાં આદરભર્યું સ્થાન ધરાવતા, ગુજરાતી ભાષાના કવિ, લેખક, બાળ સાહિત્યકાર, ગીતકાર એથીય વિશેષ મળવા જેવા ઉમદા માનવી અને એક માત્ર ગુજરાતી કવિ કે જેમનું આખા નગરે જાહેર જનતાએ સન્માન કર્યું હોય એવા કવિ રમેશ પારેખની ૨૧ મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ ૧૭ મે રવિવારના રોજ સવારના ૧૦ વાગે કાલાવડ રોડ પર આવેલ ક્રિસ્ટલ મોલ પાછળ, આઈ.ઓ.સી.કોલોની પાસે, ઈશાવાસ્યમ બિલ્ડિંગમાં શબ્દાંજલિ સ્મરણાંજલિ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.
કાર્યક્રમના પ્રારંભમાં કવિ રમેશ પારેખની તસવીરને ઉપસ્થિત ભાવકો, સર્જકો, અતિથિઓ, ર. પા.પ્રેમીઓ પુષ્પાંજલિ અર્પણ કરશે.
કવિ રમેશ પારેખની લોકપ્રિય રચનાઓ ગીતો રમેશ પારેખની અમર રચના આ મનપાંચમના મેળામાં સૌ જત લઈને આવ્યા છે, મારા સપનામાં આવ્યા હરિ, હરિએ દઈ દીધો દેશવટો, સાંવરિયા રે મારો સાંવરિયો, હું ને ચંદુ છાના માના સહિતની ૧૦ લોકપ્રિય રચનાઓ કવિતાઓનું પઠન કવિ વારીજ લુહાર અને કવિ પ્રકાશ હાથી કરશે. આ સાહિત્યિક કાર્યક્રમમાં શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, સાહિત્ય સેતુના પ્રમુખ વસંતભાઈ ગાદેશા, તરલાબેન મહેતા, મોઢ વણિક સમાજના અગ્રણી શૈલેષભાઈ શાહ, શરદભાઈ દવે વગેરે ઉપસ્થિત રહેશે સમગ્ર આયોજનની સફળતા માટે સાહિત્ય સેતુના અનુપમ દોશી, સુધીર દત્તા, સુનિલ વોરા, નલિન તન્ના, પંકજ રૂપારેલિયા, હસુભાઈ શાહ, જયેન્દ્રભાઈ મહેતા, નૈષધભાઈ વોરા, પરિમલભાઈ જોશી, વિપુલભાઈ ભટ્ટ, ઉપમન્યુ રાવલ, મહેશ જીવરાજાની, જીતુ ગાંધી, મહેશ પરમાર, દક્ષિણ જોશી, મહેશ વ્યાસ વગેરે કાર્યરત છે.