Loading Please Wait !!!
બ્રિક્સ મંચ પર ભારતની ગર્જના: દરિયાઈ માર્ગોની સુરક્ષા માટે એસ. જયશંકરનો સ્પષ્ટ સંદેશ

  • ઈરાન અને UAE ની હાજરીમાં ઊર્જા પુરવઠા અંગે ચિંતા વ્યક્ત કરી; હોર્મુઝ સ્ટ્રેટમાં અવરોધ સામે ચેતવણી
  • ઈરાન-UAE વચ્ચેના વિવાદમાં રશિયાએ કરવો પડ્યો હસ્તક્ષેપ; ભારતની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વની બેઠક
  • એકતરફી પ્રતિબંધો સામે વ્યવહારુ રસ્તો શોધવા પર ભાર; વૈશ્વિક આર્થિક સુખાકારી માટે દરિયાઈ પ્રવાહ અનિવાર્ય

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

ભારતની અધ્યક્ષતામાં યોજાયેલી બ્રિક્સ (BRICS) દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતે વૈશ્વિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે દરિયાઈ માર્ગોની સુરક્ષાનો મુદ્દો અત્યંત મજબૂતીથી ઉઠાવ્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાન અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) ના પ્રતિનિધિઓની હાજરીમાં સ્પષ્ટ કર્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ અને રેડ સી (લાલ સમુદ્ર) જેવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં કોઈપણ પ્રકારનો અવરોધ વૈશ્વિક ઊર્જા સુરક્ષા માટે જોખમી સાબિત થઈ શકે છે.

એસ. જયશંકરે બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા સુરક્ષિત અને અવરોધ વિનાનો દરિયાઈ પ્રવાહ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વની આર્થિક સુખાકારી માટે આવશ્યક છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા પુરવઠો ખોરવાય તેવી ભીતિ વ્યક્ત કરતા ભારતે બ્રિક્સના નવા સભ્યો ઈરાન અને UAE ને અપીલ કરી છે કે તેઓ એકતરફી પ્રતિબંધો અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાનો સામનો કરવા માટે પરસ્પર સહમતીથી વ્યવહારુ રસ્તો શોધે.

વિદેશ મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, "દુનિયામાં શાંતિ અને સ્થિરતા ક્યારેય આંશિક હોઈ શકતી નથી; તે બધે જ અને એકસમાન હોવી જોઈએ." તેમણે ઉમેર્યું કે દરેક દેશે બીજા દેશની સાર્વભૌમત્વ અને સરહદોનો આદર કરવો જોઈએ. કોઈ પણ મોટા વિવાદ કે યુદ્ધ જેવી સ્થિતિનો અંત હિંસાથી નહીં, પરંતુ માત્ર પરસ્પર વાતચીત અને સાચી કૂટનીતિ દ્વારા જ લાવી શકાય છે. ભારત આ દિશામાં મધ્યસ્થી કરવા અને શાંતિ સ્થાપવા હંમેશા તૈયાર છે.

આ બેઠક દરમિયાન ઈરાન અને UAE વચ્ચે મધ્ય પૂર્વના સંઘર્ષ મુદ્દે તીવ્ર મતભેદો પણ સપાટી પર આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, ઈરાન દ્વારા UAE ના ઊર્જા માળખા પર થયેલા કથિત હુમલાઓને લઈને બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી, જેમાં રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી હતી. આ આંતરિક મતભેદોને કારણે બ્રિક્સ કોઈ સર્વસંમત સંયુક્ત નિવેદન બહાર પાડી શક્યું નથી. બીજી તરફ, ઈરાનના વિદેશ મંત્રીએ પશ્ચિમી દેશો અને ઈઝરાયલ દ્વારા થતા આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘન સામે બ્રિક્સના સભ્યોને એકજૂથ થવા હાકલ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારથી શરૂ થતી પાંચ દેશોની વિદેશ યાત્રામાં UAE પ્રથમ પડાવ છે, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે વ્યૂહાત્મક ભાગીદાર છે. બ્રિક્સ હવે વિશ્વની અંદાજે 49.5% વસ્તી અને 40% જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે ભારત આ સંગઠનને વધુ મજબૂત અને પ્રાસંગિક બનાવવા માટે પ્રતિબદ્ધ છે. એસ. જયશંકરે નવા સભ્યોને બ્રિક્સની કાર્યપદ્ધતિને અનુસરવા પર ભાર મૂકીને સંગઠનની એકતા જાળવવા પ્રયાસ કર્યો હતો.