ગુટખાની જાહેરાત મુદ્દે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફને કોર્ટનું સમન્સ
- રાજસ્થાનની બારન ગ્રાહક અદાલતે કેસરના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ નોટિસ ફટકારી
- બોલિવૂડના 3 સુપરસ્ટાર્સ કાયદાકીય ગૂંચમાં ફસાયા, 9 જુલાઈએ અદાલતમાં હાજર થવા આદેશ
- કલાકારો ઉપરાંત 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક વિમલ અગ્રવાલને પણ નોટિસ
સિટી ન્યુઝ @ બારન : બોલિવૂડના ટોચના સુપરસ્ટાર્સ અજય દેવગન, શાહરૂખ ખાન અને ટાઇગર શ્રોફ ગુટખાની જાહેરાતના વિવાદમાં મોટી મુશ્કેલીમાં મુકાયા છે. રાજસ્થાનની બારન જિલ્લા ગ્રાહક અદાલતે પાન મસાલાની જાહેરાતોમાં 'કેસર'ના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા અને સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનોનો પ્રચાર કરવા બદલ આ ત્રણેય કલાકારોને કડક નોટિસ મોકલીને આગામી 9 જુલાઈના રોજ સમન્સ પાઠવ્યા છે. કોર્ટે આ ગંભીર મામલે કલાકારો સહિત કુલ 4 લોકોને નોટિસ ફટકારી છે, જેમાં આ ત્રણ પ્રખ્યાત અભિનેતાઓ ઉપરાંત 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક વિમલ અગ્રવાલનો પણ સમાવેશ થાય છે.
બારન નાગરિક અધિકાર સંગઠનના સચિવ વીરેન્દ્ર સિંહે આ ગુટખા કંપની અને ત્રણેય સેલિબ્રિટીઓ વિરુદ્ધ કન્ઝ્યુમર કોર્ટમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીએ કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે, ટીવી અને સોશિયલ મીડિયા પર આવતી જાહેરાતોમાં એવો લોભામણો દાવો કરવામાં આવે છે કે આ પ્રોડક્ટમાં અસલી કેસર છે. પરંતુ માત્ર 5 રૂપિયાના ગુટખાના પાઉચમાં પ્રતિ કિલોગ્રામ 5 લાખ રૂપિયાની કિંમતનું અસલી કેસર ઉમેરવાનો કંપનીનો આ દાવો સંપૂર્ણપણે ખોટો, ભ્રામક અને ગ્રાહક અધિકારોનું સરેઆમ ઉલ્લંઘન છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતા આ આર્થિક અને શારીરિક ચેડાં બદલ કોર્ટે આ દેશવ્યાપી જાહેરાત પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાનો આદેશ પસાર કરવા માટે 22 જૂનની આગામી મહત્વની તારીખ નક્કી કરી છે.
ગ્રાહક અદાલતના રીડર યોગેશ કુમાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, કોર્ટે 9 જુલાઈના રોજ ત્રણેય કલાકારો અને કંપનીના માલિકને રૂબરૂમાં અથવા તેમના અધિકૃત વકીલો દ્વારા કોર્ટ સમક્ષ હાજર થવા કડક આદેશ કર્યો છે. તમામ આરોપીઓએ આ નોટિસ મળ્યાના 30 દિવસની અંદર કોર્ટ સમક્ષ પોતાનો લેખિત પક્ષ અને પુરાવા રજૂ કરવા પડશે. અદાલતે કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પ્રતિવાદીઓ અથવા તેમના કાનૂની પ્રતિનિધિઓ નિયત તારીખે કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ જશે, તો અદાલત આ કેસમાં કલાકારો વિરુદ્ધ એકપક્ષીય (એક્સ-પાર્ટી) નિર્ણય સંભળાવી શકે છે.
સેલિબ્રિટીઝની નૈતિક જવાબદારી સામે પુનઃ સવાલો સમાજ પર કરોડો ચાહકોના દિલ પર રાજ કરતા કલાકારોની ઊંડી અસર હોય છે, ત્યારે કેન્સર અને અન્ય ગંભીર બીમારીઓ નોતરતા પાન મસાલા-ગુટખા બ્રાન્ડનો પ્રચાર કરવા બદલ અગાઉ પણ આ સેલિબ્રિટીઝ ટ્રોલ થઈ ચૂકી છે. હવે રાજસ્થાન ગ્રાહક કોર્ટના આ કડક કાનૂની આદેશ બાદ બોલિવૂડ સ્ટાર્સે આવી જાહેરાતો કરવા બદલ કાયદાકીય લડતનો સામનો કરવો પડશે.