લોરેન્સ ગેંગનો મુખ્ય હેન્ડલર ઠાર: રોહત ગોદારાએ જવાબદારી લીધી: કેનેડામાં ગુરુવિક્રમજીતની હત્યા
સિટી ન્યૂઝ@કોલંબિયા
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરે શહેરમાં મે ૨૦૨૬ની શરૂઆતમાં થયેલી દિનદહાડે હત્યાના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કેનેડા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ગોળીબારમાં માર્યો ગયેલો વ્યક્તિ ભારતની કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સહયોગી અને કેનેડામાં નેટવર્ક સંભાળતો મુખ્ય હેન્ડલર હતો. આ હાઈપ્રોફાઈલ હત્યાની જવાબદારી વિરોધી ગેંગના રોહિત ગોદારાએ સોશિયલ મીડિયા પર લીધી છે.
પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, આ ઘટના ૪ મે ૨૦૨૬ના રોજ બપોરે આશરે ૩:૦૩ વાગ્યે બની હતી. સરે પોલીસે ૧૩૦૦૦ બ્લોક, ૭૬ એવન્યુ સ્થિત એક બિઝનેસ ઓફિસમાં અંધાધૂંધ ગોળીબાર થયાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમને એક વ્યક્તિ ગંભીર હાલતમાં લોહીલુહાણ મળ્યો હતો. પેરામેડિક્સ અને તબીબોએ તેને બચાવવાનો ભારે પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
તપાસ એજન્સીઓએ મૃતકની ઓળખ ગુરુવિક્રમજીત સિંહ વારિંગ તરીકે કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુરુવિક્રમજીત કેનેડામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કનેક્શન સ્થાપિત કરવા, ખંડણી વસૂલવા અને ક્રિકેટ મેચ ફિક્સિંગ સહિતના ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્કનું સંચાલન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો. કેનેડા પોલીસ તેને આ ગેંગના આંતરરાષ્ટ્રીય ઓપરેશનનો મુખ્ય સૂત્રધાર માની રહી છે.
હત્યાના બીજા જ દિવસે એટલે કે ૫ મેના રોજ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના કટ્ટર હરીફ ગણાતા ગેંગસ્ટર રોહિત ગોદારાએ ફેસબુક પોસ્ટ દ્વારા આ હત્યાની જવાબદારી સ્વીકારી હતી. ગોદારાએ દાવો કર્યો હતો કે મૃતક તેના વિરોધીઓનો ખાસ માણસ હતો અને કેનેડામાં મેચ ફિક્સિંગનું રેકેટ ચલાવતો હતો. ગોદારાએ પોસ્ટમાં ખુલ્લી ચેતવણી આપતા લખ્યું કે, "લિસ્ટ લાંબુ છે, જે પણ અમારા દુશ્મનોને સાથ આપશે તેનો આ જ અંજામ થશે." આ સનસનાટીભર્યા હત્યાકાંડની તપાસ કેનેડાની ઈન્ટીગ્રેટેડ હોમિસાઈડ ઈન્વેસ્ટિગેશન ટીમ (IHIT) કરી રહી છે. જો કે હજુ સુધી આ મામલે કોઈ શંકાસ્પદ આરોપીની ધરપકડ થઈ નથી. છેલ્લા કેટલાક સમયથી કેનેડાની ધરતી પર ભારતીય મૂળના ગુનેગારો વચ્ચે વધી રહેલા ગેંગવોરે આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે.