એશા દેઓલનું ફિલ્મમાં કમબેક
હોરર કોમેડી ફિલ્મ ઘૂંઘટમાં દેખાશે
એશા દેઓલ લાંબા સમય પછી 'ઘૂંઘટ' નામની હૉરર-કૉમેડી ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે ફિલ્મની વાર્તા જાંગીપુરા નામના ગામની આસપાસ ફરે છે જ્યાં ભય અને રહસ્યનું વાતાવરણ છે. કથામાં એક એવા આત્માની વાત કરવામાં આવશે જેના ભૂતકાળની દુખદ ઘટનાઓ આખા ગામ માટે અભિશાપ બની જાય છે. એશા પોતાની કરીઅરમાં પહેલી વખત હૉરર-કૉમેડી ફિલ્મમાં કામ કરી રહી છે.
આ ફિલ્મમાં કામ કરવાના પોતાના ઉત્સાહ વિશે વાત કરતાં એશાએ કહ્યું હતું કે 'આ મારા માટે ફિલ્મોનો નવો પ્રકાર છે. મને હંમેશાં કૉમેડી ફિલ્મોનો ભાગ બનવું ગમે છે અને મેં અગાઉ હૉરર ફિલ્મોમાં પણ કામ કર્યું છે, પરંતુ આ બન્નેનું સંયોજન મારા માટે કંઈક અલગ છે. આ સ્ક્રિપ્ટની સૌથી ખાસ વાત એ છે કે એમાં મનોરંજક અને તત્ત્વો સાથે એક સારો સંદેશ પણ છે.'
ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી પોતાની આગામી ફિલ્મ 'વારાણસી'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં મહેશ બાબુ લીડ રોલમાં જોવા મળશે અને તેની સાથે પ્રિયંકા ચોપડા તેમ જ પૃથ્વીરાજ સુકુમારન પણ મહત્ત્વપૂર્ણ પાત્રોમાં જોવા મળશે. હવે આ ફિલ્મ વિશે મળેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે એમાં ભગવાન રામ અને કુંભકર્ણ વચ્ચેનું એક ભવ્ય યુદ્ધ દર્શાવવામાં આવશે.
એસ. એસ. રાજામૌલીના પિતા અને જાણીતા લેખક વિજયેન્દ્ર પ્રસાદે એક કાર્યક્રમ દરમ્યાન 'વારાણસી' વિશે વાત કરી હતી. તેમણે ખુલાસો કર્યો હતો કે ફિલ્મમાં ભગવાન રામ અને કુંભકર્ણ વચ્ચેનું યુદ્ધ લગભગ ૩૦ મિનિટ લાંબું હશે. ફિલ્મમાં મહેશ બાબુ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય પાત્રમાં છે, પરંતુ તે કઈ ભૂમિકા ભજવી રહ્યો છે એની સત્તાવાર પુષ્ટિ હજી સુધી કરવામાં આવી નથી.