Loading Please Wait !!!
વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે શાપરમાં રક્તદાન કેમ્પ યોજાશે

=> રાજકોટ સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે 14 જૂને રક્તદાન માટે અપીલ

સિટી ન્યૂઝ@રાજકોટ

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે તા. ૧૪ જૂન, ૨૦૨૬ના રોજ વિશાલ બેરિંગ્સ લિમિટેડ, શાપર (વેરાવળ) દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પ રાજકોટ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થે યોજાશે.

રક્તદાન કેમ્પ સર્વે નંબર ૨૨૧, પ્લોટ નં. ૧, ૨ અને ૩, શાપર મેઈન રોડ, શાપર (વેરાવળ) ખાતે સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૪:૦૦ વાગ્યા સુધી યોજાશે.

પ્રવર્તમાન ઉનાળાની ઋતુમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં તમામ બ્લડ ગ્રુપની અછત સર્જાઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. ઉપરાંત ૫૫૦થી વધુ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રીતે રક્તની જરૂર પડતી હોય છે.

બ્લડની અછતના કારણે કેટલાક થેલેસેમિયા દર્દીઓને સમયસર રક્ત મળી શકતું નથી, જેના કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.

આયોજકો દ્વારા નાગરિકોને રક્તદાન કરી અમૂલ્ય માનવજીવન બચાવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. આયોજકોનું કહેવું છે કે આધુનિક તબીબી વિજ્ઞાનમાં અનેક પ્રગતિ છતાં આજે પણ કૃત્રિમ રીતે લોહી બનાવવું શક્ય બન્યું નથી, તેથી રક્તદાન જ એકમાત્ર વિકલ્પ છે.

વિશાલ બેરિંગ્સ લિમિટેડના દિલીપભાઈ ચાંગેલા, દિવ્યેશભાઈ ચાંગેલા, વિજયભાઈ ચાંગેલા, વિશાલભાઈ ચાંગેલા, દર્શિતભાઈ ચાંગેલા તેમજ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ રક્તદાતાઓને મોટી સંખ્યામાં કેમ્પમાં જોડાવા જાહેર અપીલ કરી છે. આ ઉપરાંત જન્મદિવસ, સ્મૃતિદિન અથવા અન્ય પ્રસંગોએ રક્તદાન કેમ્પ, ચક્ષુદાન, અંગદાન, સ્કિનદાન અને અન્ય સેવાકીય કાર્યક્રમોના આયોજન માટે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી (મો. 94282 00660)નો સંપર્ક કરવા જણાવાયું છે.