Loading Please Wait !!!
આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની ફિલ્મ 'આલ્ફા'ના ટીઝર પર ટ્રોલર્સનો ભારે હુમલો

  • શર્વરી વાઘની ગેરહાજરી અને ફ્રેન્ચ ફિલ્મની બેઠ્ઠી કોપી હોવાના આક્ષેપથી ચાહકો નારાજ
  • યુવાન છોકરીને હત્યારી બનાવવાની વાર્તા અને સીન્સમાં અદભુત સામ્યતા જોતાં સોશિયલ મીડિયા પર હોબાળો
  • ચાહકોએ ઝાટકણી કાઢી: "ફિલ્મ એકલી આલિયાની હોય તેવી ખોટી છાપ ઊભી કરવાનો પ્રયાસ બંધ કરો"

સિટી ન્યુઝ @ મુંબઈ

 બોલિવૂડની મોસ્ટ અવેટેડ સ્પાય યુનિવર્સ ફિલ્મ 'આલ્ફા'નું ટીઝર આજે લોન્ચ થતાં વેંત જ વિવાદોના વમળમાં ફસાઈ ગયું છે. ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ટીકાઓનો ભારે વરસાદ વરસ્યો હતો. અહેવાલો અનુસાર, ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલી શર્વરી વાઘની ગેરહાજરી, ધુરંધર ફિલ્મની સરખામણીમાં નબળાં ચિત્રણ તથા એક વિદેશી ફિલ્મની બેઠ્ઠી કોપી હોવા બાબતે ચાહકોએ મેકર્સની આકરી ઝાટકણી કાઢી છે. ફિલ્મનાં ટીઝરમાં માત્ર આલિયા ભટ્ટને જ વધારે સ્ક્રીન ટાઈમ અપાતાં શર્વરી વાઘના ચાહકો ભારે ધૂંધવાયા હતા અને તેમણે તીખી પ્રતિક્રિયાઓ આપી હતી.

નેટીઝન્સે સોશિયલ મીડિયા પર કોમેન્ટસનો મારો ચલાવતા કહ્યું હતું કે, ટીઝરમાં વાસ્તવમાં આલિયા અને શર્વરી બંનેનાં પાત્રનું એકસરખું ઈન્ટ્રોડક્શન હોવું જોઈતું હતું. પ્રમોશનલ કન્ટેન્ટ પરથી આ ફિલ્મ એકલી આલિયાની જ છે તેવી પક્ષપાતી છાપ બિલકુલ ન જવી જોઈએ. વિવાદ માત્ર સ્ટારકાસ્ટ પૂરતો મર્યાદિત નથી રહ્યો, કેટલાક સિનેમા પ્રેમીઓએ તો એવો ગંભીર આરોપ પણ કર્યો છે કે આ ટીઝરના મુખ્ય સીન એક પ્રખ્યાત ફ્રેન્ચ ફિલ્મ 'લા ફેમ નિકિતા' પરથી બેઠ્ઠા ઉઠાવવામાં આવ્યા છે. આ ફ્રેન્ચ ક્લાસિક ફિલ્મની વાર્તા પણ એક યુવાન છોકરીની આસપાસ ફરે છે, જેને હત્યારી બનાવવા માટે ભરતી કરી ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. ચાહકોએ સબૂતો સાથે નોંધ્યું હતું કે એ મૂળ ફિલ્મ અને 'આલ્ફા'નાં ટીઝરમાં ઘણી બધી સ્ક્રિપ્ટ અને દ્રશ્યોની સામ્યતાઓ જોવા મળી રહી છે.

બીજી તરફ, તાજેતરમાં ચર્ચામાં રહેલી 'ધુરંધર' ફિલ્મના પ્રશંસકો પણ આ મેદાનમાં કૂદી પડ્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે જ્યાં સુધી 'ધુરંધર' સ્તરનું વાસ્તવદર્શી, હાઈ-વોલ્ટેજ અને આક્રમક ચિત્રણ કરવું શક્ય ન હોય, ત્યાં સુધી કોઈએ આવી સ્પાય એક્શન ફિલ્મ બનાવવાનો નકામો પ્રયાસ જ ન કરવો જોઈએ. લોકોએ ઓપન પ્લેટફોર્મ પર ઓપિનિયન આપતા કહ્યું હતું કે 'ધુરંધર' ની શાનદાર એક્શન સામે 'આલ્ફા'નું આ ટીઝર બહુ ફિક્કું અને પ્રભાવહીન લાગી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ પ્રારંભિક નકારાત્મક રિસ્પોન્સ બાદ ફિલ્મમેકર્સ આગામી સમયમાં કોઈ સુધારો કરે છે કે નહીં.

સ્પાય યુનિવર્સમાં કોપીરાઈટ અને કન્ટેન્ટનો મોટો વિવાદ

યશરાજ બેનરની આ પાવર-પેક્ડ લેડી સ્પાય ફિલ્મ પાસેથી દર્શકોને અદભુત ઓરિજિનલ કન્ટેન્ટની અપેક્ષા હતી, પરંતુ ફ્રેન્ચ સિનેમાની નકલ હોવાના આક્ષેપોએ સોશિયલ મીડિયા પર બોલિવૂડની ક્રેડિબિલિટી સામે ફરી સવાલો ઉભા કર્યા છે. 'ધુરંધર' ના ફેન્સ દ્વારા થતી સતત સરખામણીને કારણે 'આલ્ફા' માટે આગામી સમયમાં બોક્સ ઓફિસની સફર મુશ્કેલ બની શકે છે.