રાજકોટના 90 હજાર લોકોને કાલે પાણી નહીં મળે
=> વોર્ડ નં. 7 અને 13 માં પાણીકાપ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાને ગમે તેવી આધુનિક બનાવવામાં આવે તો પણ પાણીકાપનો સીલસીલો અટકતો નથી. એક યા બીજા કારણોસર પાણીકાપ ઝીંકવાના સીલસીલામાં આવતીકાલે શુક્રવારે ગુરુકુળ હેડવર્કસથી નીકળતી મેઈન પાઈપલાઈનનું રિપેરિંગ કરવાનું કારણ આપીને વોર્ડ નં. ૭ અને ૧૩માં કાલે પાણીકાપ મુકવામાં આવ્યો છે. આ બંને વોર્ડના ૯૦ હજારથી વધુ લોકોને તેના હક્કનું પાણી મનપા નહીં આપે.
રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર યાદી મુજબ સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. ૭(પાર્ટ), ૧૩(પાર્ટ)માં આગામી તા.૧૨ને શુક્રવારના રોજ સીવીલ વિભાગ દ્વારા ૫૦૦ એમ.એમ. એમ.એસ. ડાયાની મેઈન પાઈપલાઈન રીપેરીંગ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુકુળ હેડવર્કસથી આ મેઈન પાઈપલાઈન બંધ રાખવાની થતી હોય, આ હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં. ૭(પાર્ટ), ૧૩(પાર્ટ)માં તા. ૧૨ને શુક્રવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે.
નોંધનીય છે કે, ઉક્ત વોર્ડના જે વિસ્તારમાં પાણીકાપ મૂકવામાં આવ્યો છે ત્યાં ૯૦ હજારથી વધુની વસ્તી છે. આ તમામ નગરજનોને તેના હક્કનું પાણી આવતીકાલે મનપા નહીં આપે.
આ સોસાયટીને પાણી નહીં મળે
જુની તથા નવી પપૈયાવાડી, પંચશીલ સોસા. (પાર્ટ), રાધાક્રિષ્ન સોસા.(પાર્ટ), ગુણાતીતનગર, જે. ડી. પાઠક પ્લોટ, ટપુભવન પ્લોટ, અંબાજી કડવા પ્લોટ, લોધેશ્વર, માલવિયા નગર, વિનય સોસા., શિવનગર, સ્વાશ્રય સોસા., રામનગર, વેદવાડી, ડાલીબાઈ આવાસ યોજના, કૃષ્ણનગર, નવલનગર, ભોલેનાથ સોસા., ગુરુપ્રસાદ સોસા., ત્રિવેણી નગર, કૈલાશનગર વીગેરે.