સિંગર ગુરુ રંધાવાના ફિટનેસ સેન્ટર બહાર અંધાધૂંધ 7 રાઉન્ડ ફાયરિંગ
- બાઇક સવાર હુમલાખોરો ગોળીબાર કરી ફરાર, જીમના કાચ તૂટ્યા અને ભયનો માહોલ ફેલાયો
- લમાન ખાન સાથે મિત્રતા ભારે પડી? ગુરુ રંધાવાના જીમ પર હુમલો
- લોરેન્સ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિત ગ્રુપે સોશિયલ મીડિયા પર લીધી ફાયરિંગની જવાબદારી
સિટી ન્યુઝ @ દિલ્હી: રાજધાની દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારમાં આજે સવાર-સવારમાં જ એ સમયે ભારે ચકચાર મચી ગઈ, જ્યારે જાણીતા પંજાબી ગાયક ગુરુ રંધાવાના '24 HS Fitness Gym' ની બહાર મોટરસાયકલ પર આવેલા અજ્ઞાત હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર, બદમાશોએ જીમને નિશાન બનાવીને લગભગ 7 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ ઘાતકી હુમલાને કારણે જીમના આગળના ભાગના કાચ તૂટી ગયા હતા અને આસપાસના લોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.
હુમલાના થોડા જ સમય બાદ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અને કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેણે પોલીસ તંત્રને પણ ચોંકાવી દીધું છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના અનિલ પંડિત ગ્રુપે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે. વાયરલ ઓડિયોમાં કથિત રીતે અનિલ પંડિત એવું કહેતો સંભળાય છે કે, ગુરુ રંધાવા પર આ હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેમની બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે નિકટતા વધી રહી છે, અને સલમાન ખાન બિશ્નોઈ ગેંગનો દુશ્મન છે. આ ચોંકાવનારા દાવા બાદ સેલિબ્રિટીઝની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ દિલ્હી પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે વાયરલ થઈ રહેલી પોસ્ટ અને ઓડિયો ક્લિપની સત્યતાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરોની ઓળખ કરવા માટે જીમ અને તેની આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પણ ભારે સન્નાટો વ્યાપી ગયો છે અને પોલીસ કડક એક્શન મોડમાં આવી ગઈ છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગની બોલિવૂડને નવી ધમકી પંજાબી સિંગર ગુરુ રંધાવાના ફિટનેસ સેન્ટર પર થયેલા આ હુમલા પાછળ સલમાન ખાન સાથેની નિકટતા હોવાનો દાવો કરાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં અનિલ પંડિત ગ્રુપે સીધી ધમકી આપી છે. દિલ્હી પોલીસ હાલ આ ઓડિયો અને પોસ્ટની સત્યતા ચકાસી રહી છે, જ્યારે આ ઘટનાથી સેલિબ્રિટીઝમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.