લોરેન્સ ગેંગે લીધી જવાબદારી : સિંગર ગુરુ રંધાવાની જીમ બહાર અંધાધૂંધ ગોળીબાર
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. પંજાબના પ્રસિદ્ધ સિંગર ગુરુ રંધાવા જે જીમમાં વર્કઆઉટ કરતા હતા. તે સમયે જીમ બહાર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. ગોળીબાર થતા જ આસપાસના વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ અંધાધૂન ગોળીબારની ઘટનાની જવાબદારી કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વીકારી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક પોસ્ટ અને ઓડિયો ક્લિપ દ્વારા ગેંગે આ ગોળીબારની ઘટનાની જવાબદારી લીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઓડિયોમાં બિશ્નોઈ ગેંગના સભ્યનો અવાજ સંભળાય છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેતા સલમાન ખાન સાથેના ગાઢ સંબંધોને કારણે ગુરુ રંધાવાને નિશાન બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં, હુમલાખોરોએ આ ઘટનાને માત્ર એક ટ્રેઈલર ગણાવીને ભવિષ્યમાં વધુ મોટા હુમલાની ધમકી પણ આપી છે.
ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પોલીસની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને જીમની બહાર લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને આસપાસના લોકોના નિવેદનો નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં પોલીસ આ મામલાની ઊંડી તપાસ કરી રહી છે કે શું આ ખરેખર લોરેન્સ ગેંગનું જ કૃત્ય છે કે પછી કોઈએ ગેંગના નામનો દુરુપયોગ કરી ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાયરલ ઓડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટની સત્યતા ચકાસવા માટે ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. ગાયકની સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો કામે લગાડવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર સેલિબ્રિટીઓની સુરક્ષા અને શહેરમાં વધતી જતી ગેંગ સંસ્કૃતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.