નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસની નવી દિશા મેળવી : ગોવિંદભાઈ પટેલ
=> વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થતાં પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલનું નિવેદન
સિટી ન્યૂઝ@રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત ૧૨ વર્ષના કાર્યકાળ નિમિત્તે પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે નિવેદન જાહેર કરીને તેમના નેતૃત્વ અને કાર્યશૈલીની પ્રશંસા કરી હતી.
ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેજા હેઠળ કામ કરવું એક વિશિષ્ટ અનુભવ રહ્યો છે. તેઓ સતત સક્રિય, સભાન અને કાર્યપ્રત્યે સમર્પિત રહેતા નેતા છે. સંગઠન અને સરકારમાં તેમની સાથે કામ કરતી વખતે તેમની કાર્યપદ્ધતિમાંથી ઘણું શીખવા મળ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના સર્વાંગી વિકાસની શરૂઆત કરી હતી. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતે વિકાસની નવી દિશા પકડી હતી અને આજે પણ રાજ્ય એ જ માર્ગ પર આગળ વધી રહ્યું છે.
પૂર્વ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અત્યંત મહેનતુ અને કાર્યનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવે છે. લાંબા કલાકો સુધી સતત કાર્ય કર્યા પછી પણ તેમની કાર્યક્ષમતા અને ઊર્જા જળવાઈ રહે છે, જે તેમની વિશેષતા છે.
તેમણે કહ્યું હતું કે વર્તમાન સમયમાં વિશ્વના અનેક દેશો યુદ્ધ અને વૈશ્વિક આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ભારતના અર્થતંત્રને ગતિમાન રાખવા અને વિકાસદરને સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવ્યા છે.
ગોવિંદભાઈ પટેલે પોતાના નિવેદનના અંતે પ્રાર્થના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય સુધી દેશના નેતૃત્વની જવાબદારી સંભાળતા રહે અને દેશને વિકાસના માર્ગે આગળ ધપાવતા રહે.