Loading Please Wait !!!
કંગાળ પાકિસ્તાનના સૈન્ય વડાની ગીધડધમકી: ‘યુદ્ધ થયું તો પરિણામો પીડાદાયક હશે’

  • આર્થિક તંગીથી જનતાનું ધ્યાન ભટકાવવા આસીમ મુનીરે ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
  • ‘યુદ્ધ હવે સીમાઓ સુધી મર્યાદિત નહીં રહે’ - આસીમ મુનીરનો ભારત તરફ સીધો ઈશારો
  • રાવલપિંડીથી આસીમ મુનીરે ઉચ્ચારી ચીમકી; નિષ્ણાતોએ ગણાવ્યો નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી :  પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જનતા મોંઘવારી અને ભૂખમરાથી ત્રસ્ત છે ત્યારે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને જનતાનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની સૈન્ય વડા આસીમ મુનીર ફરી એકવાર ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનબાજી પર ઉતરી આવ્યા છે. રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે ભારતને આડકતરી રીતે ધમકી આપતા જણાવ્યું હતું કે જો ભવિષ્યમાં કોઈ ‘દુસ્સાહસ’ કરવામાં આવશે તો તેના પરિણામો અત્યંત ખતરનાક અને પીડાદાયક હશે.

આસીમ મુનીરે આક્રમક તેવર બતાવતા કહ્યું કે, પાકિસ્તાન પોતાની સુરક્ષા કરવા માટે પૂરેપૂરું સક્ષમ છે અને હવે યુદ્ધ માત્ર સરહદ સુધી સીમિત નહીં રહે, પરંતુ તેનો વ્યાપ ઘણો મોટો હશે. જોકે તેમણે પોતાના ભાષણમાં સીધું ભારતનું નામ લીધું નહોતું, પરંતુ રાવલપિંડીના ગઢમાંથી અપાયેલી આ ધમકીનો સ્પષ્ટ ઈશારો ભારત તરફ જ હતો. નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે પણ પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ થાય છે અથવા ત્યાંની સરકાર સામે જનતાનો રોષ વધે છે, ત્યારે સૈન્ય રાષ્ટ્રવાદના નામે લોકોને ગેરમાર્ગે દોરવા માટે આવા નિવેદનો આપતી હોય છે.

હાલમાં પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે ત્યાં વિદેશી હૂંડિયામણ તળિયે બેસી ગયું છે અને સામાન્ય જનતા માટે પાયાની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની છે. આવા સમયે પ્રાદેશિક સ્થિરતા જોખમાય તેવા નિવેદનો આપીને આસીમ મુનીર માત્ર પોતાની સેનાનું મનોબળ વધારવા અને ઘરઆંગણે ઊભા થયેલા વિરોધને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 'દૂરગામી અને પીડાદાયક' પરિણામોની વાત કરવી એ પાકિસ્તાની સૈન્યની જૂની અને જાણીતી વ્યૂહનીતિ રહી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા વિવાદ અને આતંકવાદ જેવા મુદ્દાઓ પર પહેલેથી જ તણાવ છે, ત્યારે પાકિસ્તાની સૈન્ય વડાનું આ પ્રકારનું નિવેદન દક્ષિણ એશિયાની શાંતિ અને સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ભારતીય સંરક્ષણ નિષ્ણાતોના મતે, પાકિસ્તાન પોતે અંદરથી ખોખલું થઈ રહ્યું હોવાથી તે વિશ્વનું ધ્યાન ભટકાવવા માટે આવી ગીધડધમકીઓનો સહારો લઈ રહ્યું છે. પાકિસ્તાન જ્યારે આર્થિક પાયમાલીના આરે હોય ત્યારે યુદ્ધની વાતો કરવી એ તેની મૂર્ખામી સિવાય બીજું કંઈ નથી. હવે જોવાનું એ રહે છે કે આ આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની આ ઉશ્કેરણી સામે ભારત કેવો વળતો પ્રહાર કરે છે.