Loading Please Wait !!!
17 મે થી ભગવાન વિષ્ણુનેં સમર્પિત પાવન પુરુષોત્તમ માસનોં પ્રારંભ થશે

  • ધાર્મિક મહાત્મ્ય : હિરણ્યકશીપુનેં 12 મહિનામાં મારવો અશક્ય હોવાથી અધિક માસમાં નરસિંહ ભગવાને વધ કર્યો 
  • વૈજ્ઞાનિક તારણ : અંગ્રેજી કેલેન્ડર અને હિન્દુ કેલેન્ડર વચ્ચે 11 દિવસ સમયને સરભર કરવા માટે અધિક માસની વ્યવસ્થા 


સિટી ન્યૂઝ@રાજકોટ :  હિન્દુ ધર્મમાં સૂર્ય અને ચંદ્રની પરિક્રમાનું આધ્યાત્મિક, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક ઘણું મહત્વ રહેલું  છે. જ્યોતિષીય અને ખગોળીય ગણિતની ગણનાં મુજબ સૂર્ય આશરે 30.44  દિવસ સુધી એક રાશિમાં રહે છે. તે મુજબ સૂર્યને 12 રાશિઓની પરિક્રમા કરતાં 365.28 દિવસ જેટલો સમય લાગે છે. તેને સૌરવર્ષ કહેવામાં આવે છે. અંગ્રેજી કેલેન્ડર આ સૌરવર્ષનાં આધારે રચાય છે. જ્યારે હિન્દુ પંચાંગ એ ચંદ્રના પૃથ્વી ફરતેનાં પરિભ્રમણનાં સમયને લક્ષમાં રાખીને રચવામાં આવે છે. ચંદ્રને પૃથ્વીની એક પરિક્રમા કરતા લગભગ 28-29 દિવસ જેવો સમય લાગે છે.તેનેં ચંદ્રમાસ કહે છે. આવા 12 ચંદ્રમાસ એ હિંદુ પંચાંગનું એક વર્ષ ગણવામાં આવે છે. જે 354.36 દિવસનું થાયછે. આમ અંગ્રેજી કેલેન્ડર અને હિન્દુ કેલેન્ડર વચ્ચે 11 દિવસ જેવો સમયનોં તફાવત રહે છે. જેને સરભર કરવા માટે દર 32 મહિનાં અને 14 - 15 દિવસ પછી એક અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે.

હિન્દુ પૌરાણિક કથાઓમાં અધિક માસ એ હિરણ્યકશિપુ અને નરસિંહ અવતાર સાથે  પણ સંકળાયેલો છે. દાનવ રાજ હિરણ્ય કશીપુએ બ્રહ્માજી પાસેથી વરદાન માગેલું તે મુજબ હિરણ્યકશીપુનેં વર્ષનાં સામાન્ય 12 મહિનાં દરમિયાન મારવો શક્ય ન હતો. કારણ કે તેનાથી બ્રહ્માજીનાં વરદાનનું ઉલંઘન થતું હતું. આથી ભગવાન વિષ્ણુએ નરસિંહ  અવતાર ધરીનેં તેનોં અધિક માસ દરમિયાન વધ કર્યો હતો. આ માસનેં પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે.

વિષ્ણુની પૂજા માટે પુરુષોત્તમ માસ શ્રેષ્ઠ 
પુરુષોત્તમ માસ એ ભગવાન વિષ્ણુનાં અવતારોની પૂજા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. તેથી જગન્નાથપુરી, અયોધ્યા, મથુરા, વૃંદાવન, દ્વારકા જેવા વિષ્ણુનાં અવતારો ધરાવતા મંદિરોમાં આ માસ દરમિયાન ખાસ પૂજાઅર્ચના, દીપદાન,દ્રવ્યદાન દક્ષિણા, વગેરે કરવામાં આવે છે. પુરુષોત્તમ માસ દરમિયાન  તીર્થયાત્રાનું પણ વિશેષ અને અનેરું મહત્વ છે. આથી આ માસ દરમિયાન કેટલાક ગોલોક બાલકો દ્વારા  વ્રજ ચોરાશી કોષની યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવે છે. આ યાત્રામાં પુરા વ્રજમંડળની સીમાઓની અંદર  જ્યાં જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ લીલા કરી હતી તે તમામ સ્થળોને આવરી લેવામાં આવે છે. જેમાં 12 વન, 24 ઉપવન, 365 કુંડો,35 રાસ સ્થલીઓ તેમ જ 1500 જેટલાં નાનાં મોટાં મંદિરો અને અનેક પવિત્ર સ્થળોનોં સમાવેશ થાય છે.